ગોંડલ માર્કેટયાર્ડમાં જન્માષ્ટમીની રજાઓ બાદ ધમધમાટ

જન્માષ્ટમીના તહેવારોની લાંબી રજાઓ પછી સૌરાષ્ટ્રના અગ્રીમ ગોંડલ માર્કેટયાર્ડમાં કામકાજ ફરી શરૂ થયું છે. રજાઓ પૂરી થતાં જ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો. વહેલી સવારથી જ યાર્ડમાં પોતાનો માલ વેચાણ માટે લાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. યાર્ડની શરૂઆતમાં જ ડુંગળી, લસણ, નવી મગફળી અને સોયાબીનની આવક નોંધાઈ છે, જેને કારણે વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

માર્કેટયાર્ડના સત્તાવાર અહેવાલ મુજબ, આજના કામકાજ દરમિયાન વિવિધ ખેત પેદાશોના ભાવ આ મુજબ રહ્યા છે: ડુંગળીની 15 હજાર કટ્ટાની મોટી આવક નોંધાઈ છે. ખેડૂતોને ડુંગળીના 600 થી 970 રૂપિયા સુધીના સારા ભાવ મળ્યા છે, જેનાથી ખેડૂતો સંતુષ્ટ છે.

લસણની બજારમાં સારી માંગ રહેતા 12 હજાર કટ્ટાની આવક થઈ. લસણના ગુણવત્તા પ્રમાણે ભાવ 1,200 થી 2,000 રૂપિયા સુધીના ઊંચા સ્તરે ચાલી રહ્યા છે. સીઝનની નવી મગફળીની આવક પણ શરૂ થઈ ગઈ છે. 1,000 ગુણીની આવક સાથે તેના ભાવ 1,200 થી 1,600 રૂપિયા સુધી બોલાયા છે. નવા સોયાબીનની પણ શરૂઆત થઈ છે, જેમાં 11 કટ્ટાની આવક સામે 1,151 રૂપિયા ભાવે સોદા થયા છે.

ગોંડલ માર્કેટયાર્ડની પારદર્શક વ્યવસ્થા, સમયસર ચૂકવણી અને ખેડૂતોને મળતા યોગ્ય ભાવને કારણે માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ દૂર-દૂરના વિસ્તારોમાંથી પણ ખેડૂતો અહીં પોતાની ખેતપેદાશ વેચવા આવે છે. ગોંડલ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ રાજકોટ, પોરબંદર, અમરેલી અને જામનગર સહિત સૌરાષ્ટ્રભરના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ માર્કેટયાર્ડને પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *