રાજ્યના ITIમાં તાલીમ લઈ રહેલા યુવાનોમાં શિસ્ત, વ્યાવસાયિકતા, આત્મવિશ્વાસ અને આગવી ઓળખ વિકસે તે હેતુથી ગુજરાત સરકારે ‘ગણવેશ સહાય યોજના’નો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો છે. અમદાવાદની કુબેરનગર ITI ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા અને ધારાસભ્ય ડૉ. પાયલ કૂકરાણીની ઉપસ્થિતિમાં યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યની 289 સરકારી ITIના અંદાજે 1.5 લાખ તાલીમાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
વર્ષમાં બે જોડી ગણવેશ માટે DBTથી ₹2 હજાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ યોજના માટે નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં આશરે ₹30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. યોજના હેઠળ દરેક તાલીમાર્થીને વર્ષમાં બે જોડી ગણવેશ માટે તેમના બેંક ખાતામાં DBT મારફતે સીધા ₹2,000 જમા કરવામાં આવશે. મંત્રીના જણાવ્યા મુજબ ગણવેશ માત્ર એકરૂપતા માટે નહીં, પરંતુ ITIના વિદ્યાર્થીઓમાં શિસ્ત, વ્યાવસાયિકતા અને આત્મવિશ્વાસ વધારવા માટે પણ મહત્વપૂર્ણ બનશે.
ITIમાં પ્રવેશ માટે 90થી 95% બેઠકો ભરાઈ કૌશલ્ય આધારિત શિક્ષણ તરફ યુવાનોનો વધતો રસ દર્શાવતા બાવળિયાએ કહ્યું કે રાજ્યની ITIમાં પ્રવેશ માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે 90થી 95 ટકા જેટલી બેઠકો ભરાઈ ચૂકી છે. આધુનિક ટેક્નોલોજી આધારિત તાલીમમાં પણ ITI બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થીઓ આગળ આવી રહ્યા છે. કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સિટી (KSU)માં ચાલી રહેલી એડવાન્સ્ડ ડ્રોન ટેક્નોલોજીની તાલીમમાં આશરે 35 વિદ્યાર્થીઓમાંથી લગભગ 50 ટકા વિદ્યાર્થીઓ ITI બેકગ્રાઉન્ડ ધરાવે છે.
વિદેશમાં પણ રોજગાર મળે તે દિશામાં ITIને અપગ્રેડ કરાશે રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047ના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની ITI સંસ્થાઓને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે, જેથી ગુજરાતના યુવાનો રાજ્ય અને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ રોજગારી મેળવી શકે અને વૈશ્વિક સ્તરની સ્કીલ વિકસાવી શકે.