ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઇઝરાયલની સેનાએ 22 વર્ષીય પેલેસ્ટિનિયન એક્ટિવિસ્ટ અહદ તમીમીની ધરપકડ કરી છે. AFPના જણાવ્યા મુજબ, હિંસા અને આતંક ફેલાવવા બદલ તમીમીની વેસ્ટ બેંકમાંથી ધરપકડ કરવામાં આવી છે. તમીમીએ 16 વર્ષની ઉંમરે ઇઝરાયલના સૈનિકને તમાચો લગાવી દીધો હતો. ત્યારથી અહદ વેસ્ટ બેંકમાં પેલેસ્ટિનિયનો માટે હીરો બની ગઈ છે.
જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, તમીમીએ હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર ઇઝરાયલ વિરુદ્ધ લખ્યું- યહૂદીઓ, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. હેબ્રોનથી જેનિન સુધી અમે તમારો ખાતમો કરીશું. તમે કહેશો કે હિટલરે તમારી સાથે જે કર્યું તે માત્ર મજાક હતી. તમીમીએ લખ્યું- અમે તમારું લોહી પીશું. તમારી ખોપરી ખાઈ જઈશું.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધના 31મા દિવસે ઇઝરાયલે ગાઝા પટ્ટીના ભાગલા પાડી દીધા છે. ઇઝરાયલની સેનાએ કહ્યું કે તેઓએ આખી રાત હોસ્પિટલોની આસપાસ ભારે બોમ્બમારો કર્યો હતો. આ દરમિયાન ઈન્ટરનેટ સેવા સંપૂર્ણપણે બંધ હતી. યુદ્ધની શરૂઆત પછી આ ત્રીજી વખત હતું જ્યારે ગાઝામાં ઈન્ટરનેટ સેવા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી.