પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં આવેલા શ્રી બાલકેશ્વર મહાદેવ મંદિરે ભક્તો ઉમટી પડ્યા હતા. ગોંડલ-બાબરા રોડ પર આવેલું આ મંદિર ખૂબ જ પૌરાણિક માનવામાં આવે છે, જ્યાં શિવલિંગ સ્વયંભૂ સ્થાપિત છે.
વર્ષો પહેલાં રાજાશાહીના સમયમાં વાસાવડ ગામમાં નગર બ્રાહ્મણોનું રાજ હતું. આ નગર બ્રાહ્મણ રાજાઓએ ગામમાં અને ગામની બહાર ઘણા શિવ મંદિરો બનાવ્યા હતા. તેમાં હાટકેશ્વર મહાદેવ મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિર જેવા અન્ય મંદિરોનો સમાવેશ થાય છે. તેમની કુળદેવી માં વાઘેશ્વરીનું ધામ પણ અહીં આવેલું છે. શ્રી બાલકેશ્વર મહાદેવ મંદિર પણ તેમાંથી જ એક છે.
આ મંદિરમાં વર્ષો સુધી શાંતિગીરી નામના એક સાધુના દીકરા સેવા પૂજા કરતા હતા. તેમના દેવલોક પામ્યા પછી મંદિર એકદમ અવાવરું બની ગયું હતું. ત્યાર બાદ ગામના ઉત્સાહી યુવાનો અને ધર્મપ્રેમી લોકોના સહયોગથી અહીં સમારકામ કરવામાં આવ્યું.
લોકફાળાથી અહીં એક મોટો હોલ અને રસોડું બનાવવામાં આવ્યું છે, જેને બાલકેશ્વર આરામ ગૃહ નામ અપાયું છે. અહીં કોઈ પણ મુસાફરને રાતવાસો કરવો હોય તો સુવા-બેસવા અને પાણીની સારી સગવડ પૂરી પાડવામાં આવે છે. કાળુભાઈ પોપટાણી દ્વારા અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.