ઉપલેટાની આમ્રપાલી સોસાયટીમાં 10 દિવસથી દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ, બેડા સાથે કચેરી ગજવવાની મહિલાઓએ ઉચ્ચારી ચીમકી

ઉપલેટાના નગરપાલિકાના શાસકો પ્રાથમિક સુવિધા આપવામાં તો ઢીલા પડ્યા જ છે, સાથે સાથે લોકોને પીવા માટે શુધ્ધ પાણી આપવામાં પણ ઉણાં ઉતર્યા છે. શહેરના વોર્ડ નંબર 6 આમ્રપાલી સોસાયટી પોરબંદર રોડ વિનસ ટાવર વાળી શેરી વિગેરે વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસ થયા પીવા માટે પાણી અપાતું જ નથી અને જો પાણી આપવામાં આવે તે અત્યંત દુર્ગંધ વાળું પાણી હોય છે. જે પીવા માટે તદન અયોગ્ય જ છે.

આથી મહિલાઓ વાસણો સાથે રસ્તા ઉપર ઉતરી આવશે તેવી ચીમકી આપી હતી. હાલ તો સ્થાનિકોએ પાલિકા અને ધારાસભ્ય વિરૂદ્ધ દેખાવો કર્યા હતા, સાથે સૂત્રો પોકાર્યા હતા. શહેરની જળ વિતરણ વ્યવસ્થા સામે જનાક્રોશ ફાટી નીકળ્યો છે.

આમ્રપાલી સોસાયટી પોરબંદર રોડ જેવા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીનો રંગ બદલાઈ ગયો છે. આવું પાણી પીવાથી ત્વચા સહિતના રોગનો શિકાર બની જવાય તો પણ નવાઇ નહીં!

પાણી પીવા માટે તો દૂર, વપરાશ માટે પણ અયોગ્ય લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આવું પાણી પીવા માટે તો દૂર ઘરગથ્થુ ઉપયોગ માટે પણ યોગ્ય નથી. પાણીની જૂની બિસ્માર પાઈપલાઈનના કારણે ગટરનું પાણી પીવાના પાણીની લાઈનમાં મિક્સ થઈ રહ્યું હોવાની શક્યતા છે.

અનેક વખત નગર પાલિકા તંત્રને મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

સ્થાનિકોએ માંગ કરી છે કે પાલિકાતંત્ર પાણીના સેમ્પલ લઈ તાત્કાલિક તેની તપાસ કરાવે, પાણીની આ પાઈપલાઈનનું ચેકિંગ કરે અને જ્યાંથી ગંદકી મિક્સ થતી હોય તે લીકેજને તાત્કાલિક બંધ કરવામાં આવે અને જ્યાં સુધી કોઇ કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી લોકોને ટેન્કર મારફતે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *