સુરતના ભાઠેનામાં બે બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નોકરી પર જવા નીકળેલા યુવકના મોતના પગલે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જોકે, આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
મૃતક સિક્યોરિટી સુપરવાઈઝરની નોકરી કરતો
મૂળ બિહારના વતની અને હાલ ડિંડોલી શાકભાજી માર્કેટની બાજુમાં ગાયત્રીનગર વિભાગ 1માં રહેતો 39 વર્ષીય અમરેન્દ્ર રામનાથ શર્મા મહાલક્ષ્મી માર્કેટમાં સિક્યોરિટી સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. તે વહેલી સવારે પોતાની બાઈક પર ઘરેથી મહાલક્ષ્મી માર્કેટ નોકરી પર જવા નીકળ્યો હતો.
અમરેન્દ્ર બાઈક લઇને પસાર થતા સમયે ઉધના ભાઠેના બ્રિજ પાસે અન્ય બાઈક સાથે અકસ્માત થયો હતો. ત્યારબાદ પાલિકાના માર્કેટ ખાતાના વાહન સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અમરેન્દ્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ઉધના પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.