ગાંધીજીના જીવન ચરિત્રને આધુનિક ટેકનોલોજીથી દર્શાવતા રાજકોટના ગાંધી મ્યુઝિયમમાં મનપા નવા આકર્ષણો ઉમેરશે. 30 સપ્ટે- 2018ના રોજ વડાપ્રધાન મોદીનાં હસ્તે લોકાર્પિત રૂ. 26 કરોડથી વધુના ખર્ચે બનેલા આ મ્યુઝિયમનાં પરિસરમાં બાળકો માટે ખાસ સુરક્ષિત ગેમઝોન, જ્યુબિલી રોડ તરફ અમૂલ ડેરી પાર્લર, બુકફેર કે કોન્ફરન્સ માટે હોલ સુવિધા અને ત્રણેય ભાષાના ગાઈડની સેવાઓ શરૂ કરાશે.
ઉપરાંત ‘ચરખા રેસ્ટોરન્ટ’ને વધુ જગ્યા ફાળવાશે. એટલું જ નહીં ગાંધીજીનાં જીવનને પ્રદર્શિત કરવા મ્યુઝિયમ પરિસરમાં યોજાતા 20 મિનિટના નિઃશુલ્ક લેસર શોનો વધુ પ્રચાર કરી જરૂર પડ્યે તેનો સમય વધારવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે.
વિશ્વકક્ષાની સુવિધાઓ ધરાવતું મ્યુઝિયમ રાષ્ટ્રપિતા ગાંધીજીએ જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે જૂની આલ્ફ્રેડ હાઇસ્કૂલ (મોહનદાસ ગાંધી વિદ્યાલય) ખાતે નિર્માણ પામ્યું છે. આ મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીના જીવન ચરિત્રને જીવંત રૂપે રજૂ કરવા 3D પ્રોજેક્શન, ઓગમેન્ટેડ રિયાલિટી, મલ્ટીમીડિયા થીયેટર અને એનિમેશન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ સમય જતાં અપૂરતા પ્રચાર અને પ્રસારના કારણે મુલાકાતીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. હાલ સ્થિતિ એ છે કે આખા વર્ષ દરમિયાન મ્યુઝિયમની મુલાકાતે આવતા લોકો કરતા મ્યુઝિયમ પરિસરમાં આવેલા રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકોની સંખ્યા વધુ છે.
અમૂલ પાર્લરનું માસિક ભાડું રૂ. 15,000, ગેમઝોનનું 30,000 એસ્ટેટ વિભાગના અધિકારી મેહુલ ગાંધીએ કહ્યું હતું કે, મ્યુઝિયમની જાળવણી, સફાઈ અને લાઈબ્રેરીમાં ચોમાસા દરમિયાન ભેજ- ઉધઈ લાગવાની ફરિયાદો આવ્યા બાદ મનપાએ તેની વ્યવસ્થા અને આવકમાં વધારો કરવા નવા ટેન્ડર પ્રસિદ્ધ કર્યા છે, જેમાં હાલમાં સંચાલન કરતી એજન્સી સહિત બે એજન્સીઓએ રસ દાખવ્યો છે.