આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે ત્યારે સ્વયંભૂ રામનાથ મહાદેવની 103મી પાલખી યાત્રા નીકળશે. જેમાં હજારોની સંખ્યામાં શિવભકતો જોડાશે અને ઠેર ઠેર રસ્તા પર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. આ ઉપરાંત જયારે અલગ અલગ ચોકમાંથી રામનાથ મહાદેવની પાલખી યાત્રા પસાર થશે ત્યારે ઠેર ઠેર રાજકોટના નાથ સ્વયંભૂ રામનાથ મહાદેવ પર પુષ્પોની વર્ષા સાથે સ્વાગત કરવામાં આવશે..
સ્વયંભુ રામનાથ મહાદેવના સાંનિધ્યમાં બપોરે ષોડશોપચાર પૂજન આરતી કરવામાં આવશે અને ત્યારબાદ બપોરે 3.30 વાગ્યે વરણાંગીનો પ્રારંભ કરવામાં આવશે. આ યાત્રામાં ભગવાન ખુદ લોકોને દર્શન આપવા નીકળતા હોવાથી મંદિર પ્રશાસન દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકોટની ધર્મપ્રિય જનતા આ વરણાંગીમાં જોડાશે.