ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રવિવારની સવારે અચાનક ભીડ ઉમટી પડી. કારણ હતું દુલીપ ટ્રોફી ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીની બેટિંગ. જેવી જ ખબર ફેલાઈ કે ઈસ્ટ ઝોનના સૂર્યવંશી બેટિંગ કરી રહ્યા છે, 12 હજારથી વધુ દર્શકો સ્ટેડિયમ પહોંચી ગયા.
પરિસ્થિતિ એવી હતી કે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનને ત્રણ વધારાના સ્ટેન્ડ ખોલવા પડ્યા. એક ડોમેસ્ટિક મેચમાં આવી ભીડ સામાન્ય રીતે જોવા મળતી નથી.
ફાઇનલ મુકાબલો સાઉથ ઝોન અને ઈસ્ટ ઝોન વચ્ચે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. સૂર્યવંશી 44 રન બનાવીને આઉટ થયો.
પહેલા આ ફાઇનલ બેંગલુરુમાં રમાવાનો હતો. પછી BCCIએ તેને ચેપોકમાં શિફ્ટ કર્યો, જેથી ચાહકો આવી શકે. સૂર્યવંશીએ મોહમ્મદ સિરાજને મિડ-ઓફ ઉપરથી છગ્ગો ફટકાર્યો. તેણે 37 બોલની પોતાની ઇનિંગ્સમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો.
93 મિનિટ બેટિંગ કર્યા પછી સૂર્યવંશીને સાઉથ ઝોનના ચામા મિલિંદે આઉટ કરતા જ C લોઅર સ્ટેન્ડમાંથી દર્શકો નીકળવા લાગ્યા અને પછી ધીમે ધીમે લગભગ આખું સ્ટેન્ડ ખાલી થઈ ગયું.
ખાસ વાત એ હતી કે સૂર્યવંશી સાઉથ ઝોન સામે રમી રહ્યા હતા અને સાઉથના જ દર્શકો સૂર્યવંશીને સપોર્ટ કરવા પહોંચી ગયા.
શ્રીકાંત બોલ્યા- સૂર્યવંશીના કારણે મારી પત્ની જોઈ રહી છે
પૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે 15 વર્ષના સૂર્યવંશીના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે વૈભવમાં વર્લ્ડ ક્રિકેટનું મોટું નામ બનવાની ક્ષમતા છે. તેમણે વૈભવને આંકડાઓથી પર ગણાવ્યા.
શ્રીકાંતે કહ્યું- ‘વૈભવ લોકોને ઘરેલું ક્રિકેટ જોવા માટે પ્રેરિત કરી રહ્યા છે. તેમના કારણે મારી પત્ની પણ દુલીપ ટ્રોફી જોઈ રહી છે.’ તેમણે કહ્યું સૂર્યવંશી ટેસ્ટ ક્રિકેટના ખોવાયેલા વૈભવને પાછો લાવી શકે છે.