રાજકોટ મનપાનાં ચોપડે રોગચાળાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં ડેન્ગ્યુ, શરદી-ઉધરસના કેસોમાં વધારો નોંધાયો છે. જ્યારે ચિકનગુનિયા અને ઝાડા-ઉલટીના કેસોમાં મામૂલી ઘટાડો થયો હતો. ગત સપ્તાહે ડેન્ગ્યુના 9 કેસો સામે ચાલુ સપ્તાહમાં 12 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના પણ ગત સપ્તાહના 1ની સામે હાલ 2 કેસો નોંધાયા છે. તો શરદી-ઉધરસના કેસોમાં પણ ખાસ્સો વધારો છે. જોકે ચિકનગુનિયા તેમજ ઝાડા-ઉલટીનાં કેસોમાં મામૂલી ઘટાડો નોંધાયો હતો. હાલ સતત વધતા રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે અને પોરાનાશક-ફોગીંગની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર રાજકોટમાં ડેન્ગ્યુનાં 9 કેસ અને શરદી-ઉધરસના 972 અને મેલેરિયાના 2 કેસ નોંધાયા છે. જોકે ચિકનગુનિયાના ગત સપ્તાહના 8 સામે ચાલુ સપ્તાહે માત્ર 4 કેસ નોંધાયા છે. આ ઉપરાંત તાવના કુલ 62 કેસ અને ઝાડા-ઉલટીના ગત સપ્તાહના 180 સામે ચાલુ સપ્તાહે 153 કેસ સહિત કુલ 1203 દર્દીઓ મનપાનાં ચોપડે નોંધાયા છે. જોકે ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓનો રેકોર્ડ ગણીએ તો સંખ્યા 3 ગણાથી વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.