રાજકોટના શિવપરામાં પડોશમાં રહેતા જયેશભાઈ રાઠોડે દવા પી જતા તેના સાળા અને ભાણેજે યુવાન હરેશ મૈયડને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પડોશમાં રહેતી મહિલા રેખાબેનને ત્યાં હરેશભાઈની દીકરી રમવા માટે જતી હતી અને તે દરમિયાન યુવાનને આ મહિલા સાથે ઓળખાણ થઈ હતી. જેના કારણે જ મહિલાના પતિએ દવા પી ગયાના આક્ષેપ સાથે સાળા અને ભાણેજે ગાળાગાળી કરી હતી. જેથી યુવાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જોકે ત્યારબાદ ભાણેજે ફોન પર ધમકી આપી હતી કે અરજી પરત ખેંચી લે નહીંતર તારા પર ઓન ધ સ્પોટ ફાયર કરીશ.
ફોન કરીને ગાળાગાળી કરીને ધમકી આપ્યાનો આક્ષેપ શહેરના શિવપરામાં રહેતા હરેશભાઈ નાથાભાઈ મૈયડ (ઉ.વ. 35)એ ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ અગાઉની અરજી પાછી ખેંચી લેવા બાબતે પણ આરોપીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. હરેશભાઈએ આરોપ મૂક્યો છે કે, રવિભાઈ કીરીટભાઈ જીવરાજાણી અને પિયુષભાઈએ ફોન પર તેમની સાથે ગાળાગાળી કરી હતી.
‘મારી નાખું એટલી ત્રેવડ છે, ઓન ધ સ્પોટ ફાયર કરીશ’ જે બાદ તા. 29 ઓગસ્ટની રાત્રે પિયુષભાઈએ ફોન કરી ધમકી આપી હતી કે, “અરજી પરત ખેંચી લેજે. મને કંઈ ફેર નહીં પડે અગાઉના ચાર કેસ ખુલે છે, તારાથી જે થાય તે કરી લેજે, મારામાં તારા ઘરે આવીને તને મારી નાખું એટલી ત્રેવડ છે. મને જેદી છૂટ મળી ગઈ તેદી ઓન ધ સ્પોટ તારા પર ફાયર કરીશ.” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગાંધીગ્રામ પોલીસે આ મામલે કાલાવડ રોડ ઉપર ગુજરાત ગેસની ઓફિસ ધરાવતા પિયુષભાઈ અને રવિભાઈ કીરીટભાઈ જીવરાજાણી સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.