રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટના આગોતરા આયોજનના અભાવ અને આડેધડ કામગીરીને કારણે શહેરના લાખો નાગરિકોને વારંવાર પાણીકાપની ગંભીર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. તાજેતરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે 100થી વધુ સ્થળોએ પાણી વિતરણ બંધ રહ્યા બાદ હવે આજી અને ભાદર યોજનામાં નવી પાઇપલાઇન જોડાણની કામગીરીના નામે ફરી એકવાર મોટું શટડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
તંત્રના આ નિર્ણયને પગલે આગામી 30 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર, 2026ના રોજ સેન્ટ્રલ તેમજ વેસ્ટ ઝોનના કુલ 8 વોર્ડ હેઠળ આવતા 83 થી વધુ નાના-મોટા વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જશે, જેના લીધે હજારો પરિવારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાશે.
ભાદર અને આજી યોજનામાં પાઇપલાઇન જોડાણ માટે શટડાઉન લાદવામાં આવ્યું મહાનગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગે આપેલી સત્તાવાર માહિતી મુજબ, ભાદર યોજના હેઠળ ગોંડલ પમ્પિંગ સ્ટેશન ખાતે નવી 900 mm હેડર લાઇન સાથે મશીનરી જોડાણ માટે 30 ઓગસ્ટના રોજ સેન્ટ્રલ ઝોનના 3 વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે. આ ઉપરાંત આજી ડેમથી મવડી તરફ જતી મેઇન લાઇન સાથે નવી 1016 mm પાઇપલાઇનનું જોડાણ કરવા માટે 1 સપ્ટેમ્બરના રોજ વેસ્ટ ઝોનના 5 વોર્ડમાં સવારે 3:00થી 11:00 વાગ્યા દરમિયાન શટડાઉન રાખવામાં આવશે. આ 2 દિવસ દરમિયાન વિવિધ સોસાયટીઓમાં નિયમિત પાણી સપ્લાય નહીં મળતાં નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડશે.
30 ઓગસ્ટે સેન્ટ્રલ ઝોનના ગુરુકુળ હેડવર્ક્સ હેઠળના વિસ્તારો પ્રભાવિત રહેશે તારીખ 30 ઓગસ્ટ 2026 ના રોજ સેન્ટ્રલ ઝોન હેઠળ આવતા વોર્ડ નંબર 7 (પાર્ટ) માં ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર અને જૈન ચાલ સહિતના વિસ્તારોમાં પાણી નહીં આવે. તેમજ વોર્ડ નંબર 14 (પાર્ટ) ના વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલ નગર, ગીતાનગર, ભક્તિનગર સોસાયટી, ધર્મજીવન સોસાયટી, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની, માસ્ટર સોસાયટી, મીલપરા, મયુર પાર્ક, પુજારા પ્લોટ, આનંદનગર, મધુરમ પાર્ક, ગુલાબ નગર અને અમૃત પાર્કમાં વિતરણ બંધ રહેશે. વોર્ડ નંબર 17 (પાર્ટ) માં નારાયણ નગર 1-2, ઢેબર કોલોની 1-3, હસનવાડી 1-2, વાલકેશ્વર, શ્રીનગર, સાધના, ઇન્દિરાનગર 1-2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ, ગુરુજન, ગીતાંજલી, અવંતિકા અને આનંદનગર ગાયત્રી બગીચા વિસ્તારમાં પાણીકાપ રહેશે.