સુરતમાં અંગદાન મેળવનાર યુવાનના કાંડા પર બહેને સ્નેહસૂત્ર બાંધ્યું; બંને પરિવારો ભાવુક

રક્ષાબંધનના પવિત્ર અને સ્નેહભર્યા પર્વ પર સુરતમાં માનવતા અને લાગણીસભર સંબંધોનો એક અત્યંત અનોખો તેમજ હૃદયસ્પર્શી સંગમ જોવા મળ્યો છે. જે ભાઈ હવે આ દુનિયામાં પ્રત્યક્ષ રીતે હયાત નથી પરંતુ, તેનું હૃદય અન્ય એક યુવાનના શરીરમાં ધબકી રહ્યું છે, તે ધબકારાને સાક્ષી માનીને બહેને તે યુવાનના કાંડા પર સ્નેહની રાખડી બાંધી હતી. આ કરુણ અને ભાવુક ક્ષણે ઉપસ્થિત તમામ લોકોની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી અને અંગદાન થકી બે અજાણ્યા પરિવારો વચ્ચે બંધાયેલો અતૂટ પ્રેમ જોવા મળ્યો હતો.

બ્રેઈનડેડ શૈશવના અંગદાને આપ્યું હતું નવુ જીવન વર્ષ 18 માર્ચ 2023 ના રોજ સુરતની એઈમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર શૈશવ ગિરીશભાઈ પટેલને તબીબો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. જુવાનજોધ પુત્ર ગુમાવવાના અસહ્ય આઘાત અને આક્રંદ વચ્ચે પણ પટેલ પરિવારે ઉત્કૃષ્ટ સામાજિક ઉત્તરદાયિત્વ દર્શાવી ‘ડોનેટ લાઈફ’ સંસ્થાના માધ્યમથી શૈશવના હૃદય, ફેફસાં, લિવર, બંને કિડની અને ચક્ષુઓનું દાન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.

સુરતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયું અને રવિરાજને નવજીવન મળ્યું શૈશવનું હૃદય હાંસોટ તાલુકાના આસરમાજૂના ગામના 22 વર્ષીય યુવાન રવિરાજ વિક્રમસિંહ મહિડામાં સુરતની મહાવીર હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. અંગદાનના આ મહાદાન થકી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા રવિરાજને નવું જીવન મળ્યું હતું અને તેના શરીરમાં શૈશવનું હૃદય નિયમિત ધબકવા લાગ્યું હતું.

ભાઈના ધબકારા અનુભવી બહેન નિધિ ભાવુક બની ચાલુ વર્ષે રક્ષાબંધનના પાવન દિવસે સ્વર્ગસ્થ શૈશવની બહેન નિધિ પોતાની માતા મનીષાબેન, પિતરાઈ ભાઈ મોહિત અને ડોનેટ લાઈફની ટીમ સાથે હાજત ગામથી રવિરાજના ઘરે પહોંચી હતી. નિધિએ જ્યારે રવિરાજના કાંડા પર રક્ષાપોટલી બાંધી ત્યારે સમગ્ર વાતાવરણ અત્યંત ગમગીન અને ભાવુક બની ગયું હતું. નિધિએ જણાવ્યું હતું કે તેનો સગો ભાઈ ભલે આ દુનિયામાં નથી, પરંતુ તેનું હૃદય રવિરાજમાં ધબકતું હોવાથી તે પરોક્ષ રીતે પોતાની સાથે જ હોવાનો અહેસાસ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *