રાજકોટ સિવિલ હોસ્પિટલની ખરડાયેલી છબી સુધારવા અને દર્દીઓને અદ્યતન તબીબી સુવિધાઓ સમયસર મળી રહે તે માટે નવનિયુક્ત તબીબી અધિક્ષક (મેડિકલ સુપ્રીટેન્ડન્ટ) ડો. કમલ ડોડીયાએ સપાટો બોલાવ્યો છે. ડો. ડોડીયા વહેલી સવારે નાઈટ ડ્રેસમાં સાયકલ ચલાવીને કોઈ પણ આગોતરી જાણ વગર અચાનક સિવિલ હોસ્પિટલના સરપ્રાઈઝ ચેકિંગમાં પહોંચી ગયા હતા. અધિક્ષકની આ ઓચિંતી મુલાકાતના પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આ નિરીક્ષણ દરમિયાન અમુક ઓનડ્યુટી રેસિડન્ટ તબીબો નિંદ્રાધીન જણાયા હતા તેમજ નર્સિંગ અને ક્લાસ-4 ના કેટલાક કર્મચારીઓ પોતાની ડ્યુટી પરથી ગેરહાજર મળી આવ્યા હતા. અધિક્ષકે ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા તમામ કર્મચારીઓને શિસ્તમાં રહેવા આકરી ચેતવણી આપી હતી.
સિવિલ હોસ્પિટલનો હવાલો સંભાળ્યા બાદથી જ ડો. કમલ ડોડીયાએ સિસ્ટમ સુધારવા માટે કમર કસી છે. અગાઉના દિવસે ઈમરજન્સી વિભાગનું નિરીક્ષણ કર્યા બાદ આજે વહેલી સવારે પણ તેમણે વિવિધ વોર્ડની ઓચિંતી મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન કેટલાક ટેબલો રેઢા પડ્યા હોવાનું અને સ્ટાફ પોતાની જગ્યાએથી ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ સ્થિતિ સામે આવતાં તેમણે તાત્કાલિક અસરથી તમામ ગેરહાજર કર્મચારીઓને નોટિસ પાઠવી શિસ્તબદ્ધ કામગીરી કરવા તાકીદ કરી હતી. આ સાથે હોસ્પિટલ પરિસરમાં અનધિકૃત રીતે પડ્યા-પાથર્યા રહેતા અસામાજિક તત્વોને તાત્કાલિક બહાર હાંકી કાઢવા સિક્યુરિટી એજન્સીને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.