ગોંડલ નાં પેલેસ રોડ પર અલખના ઓટલા પાસે રાજપુત છાત્રાલય નજીક ઝૂંપડું બાંધીને રહેતા અને ફુલછોડ વેચી પેટીયું રળતા શ્રમજીવીના ઝુંપડામાંથી કોઇ જાણભેદુ શખ્સે હાથફેરો કરી ત્યાં રહેલા સવાલાખની ચોરી કરી હતી. શ્રમિકને ચોરીની જાણ થતાં બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે અને પોલીસે ચોરનું પગેરું દબાવવા તજવીજ શરૂ કરી છે.
અલખના ઓટલા પાસે આવેલી રાજપુત છાત્રાલય નજીક ઝૂંપડું બાંધીને ફૂલ-ઝાડનો વેપાર કરતા મુળ મેંદરડા તાલુકાનાં મોટી ખોડીયારનાં અને હાલ ગોંડલમાં ફુલછોડ વેચી પરીવારનું ગુજરાન ચલાવતા મથુરભાઇ ભીખાભાઈ દેત્રોજીયા પરીવાર સાથે ગત રાત્રીનાં ઝુપડામાં સુતા હતા. દરમિયાન કોઈ જાણભેદુ ઝુપડામાં પ્રવેશી થેલામાં રાખેલી રુ.1.25 ની રોકડની થેલા સહિત ચોરી કરી નાસી છૂટ્યો હતો.
સવારે બનાવની જાણ થતા શ્રમજીવી પરિવાર હતપ્રભ બન્યો હતો. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ થતા પોલીસે આસપાસ નાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોડી રાતે એક શખ્સ ઝુંપડામાંથી થેલા સાથે બહાર નીકળી બાઈક પર નાસી જતો નજરે પડ્યો હતો. પોલીસે ફુટેજનાં આધારે તપાસ હાથ ધરી છે.