રાજકોટમાં સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી રાજસ્થાની ગેંગ ઝડપાઈ

રાજકોટ શહેરમાં કિંમતી સ્પોર્ટ્સ બાઇક ચોરીને રાજસ્થાન લઇ જતી ગેંગના ચાર શખ્સને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધા છે. પોલીસે ચારેયની પૂછપરછ કરતાં અલગ-અલગ સ્થળેથી ત્રણ બાઇક ચોરી કર્યાની કબૂલાત આપતા રૂ.1.60 લાખની કિંમતના ત્રણ ચોરાઉ બાઇક કબજે કર્યા છે.

રાજકોટ શહેરમાં રૈયા ચોકડી પાસે રહેતા રાજસ્થાની ગેંગના કમલકિશોર પુનમચંદ ગરાસીયા (ઉ.વ.20), રાહુલ મગનલાલ કટારા (ઉ.વ.20), પ્રવિણકુમાર મંગલસિંહ કટારા (ઉ.વ.20) અને રોહિતભાઇ સંતુલાલ પારધી (ઉ.વ.21) ને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી યામાહા આર 15, કેટીએમ આરસી 125 અને હીરો સ્પ્લેન્ડર મળી કુલ રૂ.1.60 લાખની ત્રણ બાઇક કબજે કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના બે તથા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો એક મળી કુલ ત્રણ ગુનાના ભેદ ઉકેલ્યા છે. આરોપીઓ રાજસ્થાનથી મજૂરી કામ માટે રાજકોટ આવી મોડી રાત્રે શહેરમાં અલગ-અલગ શેરીઓમાં પગપાળા ફરી રેકી કરતા હતા. જાહેર રોડ પર હેન્ડલ લોક વગરની સ્પોર્ટ્સ બાઇક પાર્ક કરેલી નજરે પડે તો તેની ચોરી કરી નંબર પ્લેટ કાઢી નાખતા અને બાઇક પોતાના વતન રાજસ્થાન લઇ જતા હતા.

કુવાડવા-વાંકાનેર ચોકડીથી MD ડ્રગ્સ સાથે હત્યાનો આરોપી ઝડપાયો રાજકોટ SOG પોલીસે મહાવીરસિંહ ઉર્ફે કાઠી ઉર્ફે મહાવીર જોરૂભા વાળાને 24.940 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી લીધો છે. ડ્રગ્સ, મોબાઇલ અને બલેનો કાર મળી કુલ રૂ.7.89 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આરોપીએ રાજસ્થાનના સાંચોરના મનોજ બિશ્નોઈ પાસેથી ડ્રગ્સ મેળવ્યાનું સામે આવ્યું છે. મહાવીરસિંહ અગાઉ હત્યાના ગુનામાં જેલમાં હતો અને જામીન પર છૂટ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *