અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા ઈરાન યુદ્ધ વચ્ચે સતત ઘટી રહી છે. રોયટર્સ/ઇપસોસના તાજા સર્વેમાં માત્ર 33% અમેરિકનોએ ટ્રમ્પના કામકાજને મંજૂરી આપી. જ્યારે 64% લોકોએ તેમના કામકાજને નાપસંદ કર્યું. આ ટ્રમ્પના વર્તમાન રાષ્ટ્રપતિ કાર્યકાળની સૌથી ઓછી એપ્રુવલ રેટિંગ છે.
આ પહેલા આ જ મહિને થયેલા સર્વેમાં ટ્રમ્પની એપ્રુવલ રેટિંગ 35% હતી. વર્તમાન 33%ની રેટિંગ તેમના પહેલા કાર્યકાળના ડિસેમ્બર 2017માં નોંધાયેલા સૌથી નીચલા સ્તર બરાબર છે.
સર્વેમાં 80% અમેરિકનોએ કહ્યું કે ઈરાન સાથે અમેરિકાનું યુદ્ધ લાંબા સમય સુધી ચાલી શકે છે. આમાં 87% ડેમોક્રેટ અને 71% રિપબ્લિકન શામેલ છે.
માત્ર 16% લોકોનું માનવું છે કે આ યુદ્ધ કેટલાક અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે. જ્યારે ફક્ત 5 માંથી 1 અમેરિકનનું માનવું છે કે ઈરાન વિરુદ્ધ યુદ્ધ કરવું સાચો નિર્ણય હતો.
ટ્રમ્પનો ઈરાન સાથે વાતચીતની ડેડલાઈન વધારવાનો ઇનકાર
ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ વાટાઘાટો માટે નિર્ધારિત 60 દિવસની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો છે. સોમવારે આ ડેડલાઇન પૂરી થઈ ગઈ. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સમજૂતી કરવા માગે છે, પરંતુ તે એવી ડીલ માટે તૈયાર નથી, જેને અમેરિકા જરૂરી માને છે.
ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું, “તેઓ સમજૂતી કરવા માગે છે, પરંતુ તેઓ એવી સમજૂતી કરવાના નથી, જેને હું જરૂરી માનું છું.”
અમેરિકાની મુખ્ય માગ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવાની છે. જ્યારે, ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને શાંતિપૂર્ણ ઊર્જા માટે ચાલુ રાખવાની વાત કરતું રહ્યું છે. આ જ બંને દેશો વચ્ચે સૌથી મોટો વિવાદ બન્યો છે.