યેનને 40 વર્ષના નીચલા સ્તરેથી બહાર લાવશે અમેરિકા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાએ એક દાયકામાં પહેલીવાર જાપાનીઝ યેન ખરીદ્યો છે. યેનને ડોલર સામે તેના 40 વર્ષના સૌથી નીચલા સ્તરેથી બહાર લાવવા માટે આવું કરવામાં આવ્યું છે. ટ્રમ્પે કહ્યું, “તેમની કરન્સી નબળી પડી રહી હતી અને તેઓ થોડી મદદ ઈચ્છતા હતા.”

ગયા અઠવાડિયે જાપાનીઝ ચલણ ‘યેન’ ડોલર સામે 164ના સ્તરે પહોંચી ગયો હતો, જે છેલ્લા 40 વર્ષનું સૌથી નીચલું સ્તર છે. આ ઝડપી ઘટાડાને નિયંત્રિત કરવા માટે જાપાન અને અમેરિકાએ મળીને ફોરેન એક્સચેન્જ માર્કેટમાં હસ્તક્ષેપ કર્યો. આ હસ્તક્ષેપનો મુખ્ય ઉદ્દેશ્ય યેનની અતિશય અસ્થિરતાને રોકવાનો અને કરન્સી સટોડિયાઓને નિયંત્રિત કરવાનો હતો.

બેંક ઓફ જાપાનના આંકડા અનુસાર, ટોક્યોએ શુક્રવારના સત્તાવાર સંયુક્ત હસ્તક્ષેપના બરાબર પહેલા, ગુરુવારે ન્યૂયોર્ક બજારમાં યેન ખરીદવા માટે લગભગ 59 અબજ ડોલર વેચ્યા હતા.

અમેરિકાએ સત્તાવાર રીતે તેની ખરીદીની રકમનો ખુલાસો કર્યો નથી, પરંતુ કેબિનેટ બેઠક દરમિયાન અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટની નોટબુકની તસવીર પરથી સંકેત મળ્યો છે, જેના પર લખેલું હતું: “To Do: Buy Japanese Yen $5-10 bil” એટલે કે 5 થી 10 અબજ ડોલરનો યેન ખરીદવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *