કેનેડાના ગુરુદ્વારામાં ગોલકના હિસાબને લઈને 2 જૂથો સામસામે ભીડાઈ ગયા. જે સમયે આ ઘટના બની, ગુરુદ્વારા પ્રબંધક કમિટીની મીટિંગ ચાલી રહી હતી. આ દરમિયાન ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ એક સભ્ય તરફ બરછો ઉગામેલા જોવા મળ્યા. મેહર સિંહ જૂથના લોકોએ આરોપ લગાવ્યો કે પ્રમુખે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ પછી બંને જૂથો વચ્ચે અથડામણ થઈ. તેઓએ એકબીજા સાથે ધક્કામુક્કી કરી અને ત્યાં જોરદાર હોબાળો થયો.
આ ઝઘડાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેને 2 ઓગસ્ટે ‘જટ્ટ વી લાઈક કેનેડા’ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યા. આ જ પેજ પર પ્રમુખનો એક કથિત ઓડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો, જેમાં તેમના પર છોકરીઓને ફોન કરવાના આરોપો લગાવવામાં આવ્યા છે. જોકે, દૈનિક ભાસ્કર આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.
કેનેડાના મોન્ટ્રિયલ સ્થિત લસાલ ગુરુદ્વારા સાહિબના મીટિંગ હોલમાં પ્રબંધન સમિતિની બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન ગોલકના પૈસાના હિસાબ-કિતાબ અને મર્યાદાના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠ્યો. જોતજોતામાં ચર્ચા ઉગ્ર બની ગઈ અને માહોલ તણાવપૂર્ણ બની ગયો.