દિલ્હીમાં સમાજ કલ્યાણ મંત્રીના ઘરે EDના દરોડા

EDએ ગુરુવારે સવારે દિલ્હીમાં સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સી આનંદના ઘર સહિત 9 સ્થળોએ તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલો છે.

બીજી તરફ તપાસ એજન્સી ED આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ દારૂ નીતિ કેસમાં પૂછપરછ કરશે. આ કેસમાં કેજરીવાલની સીબીઆઈ દ્વારા એપ્રિલમાં લગભગ 9.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAP સાંસદ સંજય સિંહ પહેલેથી જ દારૂ નીતિ કેસમાં જેલમાં છે.

રાજકુમાર આનંદ વર્ષ 2020માં પહેલીવાર પટેલ નગર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ પહેલાં તેમની પત્ની વીણા આનંદ પણ આ જ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. રાજકુમાર આનંદ દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના સ્થાને કેબિનેટમાં સામેલ થયા હતા.

આનંદને ત્યાં હાલમાં મની લોન્ડરિંગની તપાસ ચાલી રહી છે. પરંતુ આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ પહેલાંથી જ વધુ એક દારૂ નીતિ કેસમાં ફસાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *