ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 27મો દિવસ છે. હમાસને ખતમ કરવાના ઉદ્દેશ્ય સાથે ઇઝરાયલની સેના ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવી રહી છે. આ દરમિયાન, બુધવારે હમાસના આતંકીઓ સામે લડતી વખતે ભારતીય મૂળના ઇઝરાયલની સૈનિકનું મોત થયું હતું. માર્યા ગયેલા સૈનિકનું નામ સ્ટાફ સાર્જન્ટ હલેલ સોલોમન હોવાનું જણાવાયું છે.
હલેલ ઇઝરાયલના ડિમોના વિસ્તારનો રહેવાસી હતો. આ જગ્યાએ ભારતીય મૂળના ઘણા લોકો રહે છે, તેથી તેને લિટલ ઈન્ડિયા પણ કહેવામાં આવે છે. ડિમોનાના મેયર બેની બિટ્ટને ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં હલેલના મૃત્યુની જાહેરાત કરી હતી. તેમજ, ડિમોનામાં ભારતીય મૂળના લોકોએ પણ હેલેલના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેણે ઇઝરાયલના અસ્તિત્વને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો છે.
બુધવારે, IDFએ દાવો કર્યો હતો કે હમાસ ગાઝાની હોસ્પિટલોમાંથી ફ્યુલની ચોરી કરી રહ્યું છે. તેણે આ અંગેના પુરાવા હોવાની વાત પણ કરી હતી. ખરેખરમાં, ઇઝરાયલની સેનાએ એક ઓડિયો જાહેર કર્યો, જેમાં હમાસના પશ્ચિમ જબાલિયા બ્રિગેડના કમાન્ડર, ઇન્ડોનેશિયાની એક હોસ્પિટલના વડા અને એક સામાન્ય પેલેસ્ટિનિયન વાત કરતા સંભળાય છે.
આ ઓડિયોમાં ત્રણેય લોકો હમાસ હોસ્પિટલમાંથી ફ્યુલ લઈ રહ્યા હોવાની વાત કરે છે. આ સમય દરમિયાન, પેલેસ્ટિનિયન હમાસના આતંકીઓને દર્દીઓ માટે પહેલા ફ્યુલ ભરવાની અપીલ કરે છે. ઓડિયોમાં પેલેસ્ટિનીએ કહ્યું- હોસ્પિટલમાં લોકો અમારા પર નિર્ભર છે. તેમને તેની જરૂર છે. તેના પર, હમાસ કમાન્ડરે ફ્યુલ સંબંધિત સમસ્યાઓનો અંત લાવવાનો ઉલ્લેખ કર્યો અને રેકોર્ડિંગ પૂરું થઈ જાય છે.