8માં કેન્દ્રીય પગાર પંચ (8th Pay Commission)ના ફિટમેન્ટ ફેક્ટર અને વેતન નક્કી કરવાના ફોર્મ્યુલામાં ફેરફારને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે પહેલીવાર સંસદમાં આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારે કોઈપણ માંગને સીધી મંજૂર કે ફગાવી દેવાને બદલે સ્પષ્ટ કર્યું છે કે 8મું પગાર પંચ સંપૂર્ણપણે સ્વતંત્ર સંસ્થા છે અને તે પોતાની પ્રક્રિયા જાતે નક્કી કરશે.
ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટની માગ પર સરકારનું નિવેદન
રાજ્યસભામાં સરકારને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું કર્મચારી સંંગઠનોએ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે ‘ફેમિલી યુનિટ’ની સંખ્યા 3 થી વધારીને 5 કરવાની માંગ કરી છે, જેથી કર્મચારીઓના માતા-પિતાનો પણ તેમાં સમાવેશ થઈ શકે?
આ સવાલના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગત 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચની રચના તેના નક્કી કરેલા કાર્યક્ષેત્ર (Terms of Reference) હેઠળ કરવામાં આવી હતી અને પંચ તે અનુસાર જ કામ કરી રહ્યું છે.
સંસદમાં સરકારે સ્પષ્ટ કર્યું કે 8મા પગાર પંચને તેની ભલામણો, આંતરિક ચર્ચાઓ અથવા કયા પ્રસ્તાવો પર ચર્ચા ચાલી રહી છે તેની વિગતો સરકારને આપવાની કોઈ બંધાયેલી નથી. એટલે કે, પંચ પોતાની પ્રક્રિયા અને નિર્ણયો જાતે લેશે અને અંતિમ અહેવાલ તૈયાર ન થાય ત્યાં સુધી સરકાર પણ તેમાં દખલ કરતી નથી.
સાંસદોએ એ પણ પૂછ્યું હતું કે પંચે અત્યાર સુધી કેટલી બેઠકો યોજી છે અને કયા કર્મચારી સંગઠનો સાથે ચર્ચા થઈ છે? આ અંગે પણ સરકારે કોઈ આંકડા કે વિગતો શેર કરી નથી. જવાબમાં કહેવામાં આવ્યું કે પંચ પોતાની બેઠકો કે પરામર્શ પ્રક્રિયાની માહિતી સરકારને આપવા માટે બંધાયેલું નથી.