રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાંથી ગત 12 મે 2026 ના રોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી સગીરાના અપહરણના ગુનાનો પોલીસે બે મહિનાની ભારે જહેમત બાદ પર્દાફાશ કર્યો છે. જસદણ પોલીસની ટીમે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને અપહરણ કરાયેલી સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી લીધી છે.
પાળીયાદના ભાણગઢ નજીકથી મુખ્ય આરોપી જગદીશ ચૌહાણ ઝડપાયો
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મુખ્ય આરોપી જગદીશ રમેશ ચૌહાણને પાળીયાદના ધોલેરા વિસ્તારમાં આવેલા ભાણગઢ ગામ નજીકથી દબોચી લીધો હતો. આરોપી પોલીસથી બચવા માટે સતત ખેતીકામ કરીને પોતાના ઠેકાણા બદલતો રહેતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનામાં બે વર્ષ જેલની સજા કાપી ચૂક્યો છે.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ઓપરેશન સફળ રહ્યું
આ સમગ્ર ઓપરેશન રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના સીધા માર્ગદર્શન હેઠળ ASP નવીન ચક્રવાતી, DYSP શ્રીજીતા પટેલ અને એલસીબી (LCB) સહિત સ્થાનિક પોલીસની ટીમોએ સાથે મળીને સફળ બનાવ્યું હતું. પોલીસે હાલ આરોપી સામે અપહરણ અને એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.