ગોંડલ નેશનલ હાઇવે પર નવા માર્કેટિંગ યાર્ડ નજીક વહેલી સવારે ક્રેટા કાર, સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે ત્રિપાંખીયો અકસ્માત સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, હોન્ડા બાઇક ચાલકને બચાવવાના પ્રયાસ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ક્રેટા કાર રસ્તા પર જ પલ્ટી મારી ગઈ હતી.
અકસ્માતમાં GJ-03-LR-4764 નંબરની ક્રેટા કાર, GJ-01-KU-4134 નંબરની સ્વીફ્ટ કાર અને GJ-03-CS-8167 નંબરની બાઇક સામેલ હતી. ક્રેટા કારના ચાલક રૂરલ LCBમાં ફરજ બજાવતા કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ભરૂડી સ્થિત LCB ઓફિસ તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે તેમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતની જાણ થતાં જ ગોંડલ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં નવા યાર્ડ પાછળ રહેતા બાઇક સવાર બાબુભાઇ કાનાભાઈ મચ્છાંર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.