રાજકોટ શહેરમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે. મહાનગરપાલિકાના પોતાના રેકોર્ડ મુજબ શહેરમાં એવા 87 પોઇન્ટ છે, જે ભારે વરસાદમાં જળબંબોળ થઈ જાય છે. આ તમામ સંવેદનશીલ વિસ્તારો પૈકી વોર્ડ નંબર 3 માં આવેલું પોપટપરા નાળું દાયકાઓથી સૌથી ગંભીર પ્રશ્ન રહ્યું છે.
હવે મનપાએ આ નાળામાં ભરાતા વરસાદી પાણીને પાઇપલાઇન મારફતે ડાયવર્ટ કરવાની મહત્વની યોજના તૈયાર કરી છે, જેથી લોકોને આ વાર્ષિક હાલાકીમાંથી કાયમી મુક્તિ મળી શકે. જોકે, આ વહીવટી અને ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ થતાં અંદાજે એક વર્ષનો સમય લાગશે. આથી, પોપટપરા નાળા માટે પાણી ભરાવાનું આ સંભવતઃ છેલ્લું વર્ષ સાબિત થઈ શકે છે.
ચોમાસામાં એકાદ ઇંચ વરસાદથી પોપટપરા નાળું ઓવરફ્લો જૂના રાજકોટના સમયનું આ નાળું શહેરનું સૌથી જૂનું છે. વાસ્તવિક રીતે રેલવે સ્ટેશન રોડથી પોપટપરા જતા કુદરતી વહેણ (વોટર-વે) ઉપરથી ટ્રેનના પાટા પસાર થાય છે. આ નાળું મૂળ વરસાદી પાણીના નિકાલ માટે જ બનાવાયું હતું. સમય જતાં આજુબાજુના વિસ્તારોને જોડવા માટે અહીંથી વાહન વ્યવહાર શરૂ કરાયો. આજે આ નાળું એક મુખ્ય રસ્તો બની ગયું છે, જે પોપટપરાને રેલનગર, સાધુ વાસવાણી કુંજ રોડ અને છેક માધાપર ચોકડી સાથે કનેક્ટ કરે છે.