રાજકોટ શહેરના નાના મવા રોડ પર ક્ષત્રિય યુવાન કૃષ્ણસિંહ જાડેજા પર ફાયરિંગ કરી હત્યા નિપજાવવા કેસમાં ગૃહ વિભાગ દ્વારા સ્પેશિયલ પીપી તરીકે અનિલ દેસાઈની નિમણુંક કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત તારીખ 15 જુલાઈના રોજ મુખ્ય આરોપી રણજિતસિંહ વાળાની ધરપકડ કરી તેને ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ શરૂ કરી છે જેમાં આરોપી રણજિત પાસેથી મળી આવેલા બન્ને ગેરકાયદે હથિયાર કોની પાસેથી ખરીદ કર્યા હતા તે અંગે પુછપરછ કરવામાં આવી રહી છે જે હથિયાર સપ્લાયરની અટકાયત કરવા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, હત્યાના બીજા દિવસે પોલીસે રણજિત અને તેના બંને પુત્રોને સરધાર નજીકથી ઝડપી પાડ્યા હતા અને ફાયરિંગ દરમિયાન આરોપીને પોતાને પણ પગમાં ગોળી વાગી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી ડિસ્ચાર્જ આપ્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે જેલમાંથી કબ્જો મેળવી આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર મેળવી કાર્યવાહી હાથ ધરી છે.
ભેદી રીતે સગીર લાપતા થતા પોલીસે શોધખોળ હાથ ધરી કિશાનપરા ચોક પાસે રહેતા ઇમરાનભાઇ પઢીયાર (ઉ.વ.40) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમાં પુત્ર જુનેદ (ઉ.વ.16) ગઇ તા.13ના બપોરના એકાદ વાગ્યા આસપાસ પુત્ર માતા પાસેથી મોબાઇલ માંગ્યો હતો બાદમાં તે ઘરેથી નીકળી ગયો હતો.
અડધો કલાક બાદ પણ પરત ન આવતા મોબાઇલમાં ફોન કરતા તેણે માતાને કહ્યું હતું કે, મમ્મી હું પાંચેક મિનીટમાં આવુ છું. બાદ તેનો મોબાઇલ સ્વીફ ઓફ થઇ ગયો હતો જેથી આસપાસ તપાસ કરી હતી, પરંતુ દીકરો મળી આવ્યો ન હતો. ત્યારબાદ યુવાનના ઘરની બાજુમાં આવેલી હોટલના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા બપોરના બે વાગ્યે જુનેદ બાલભવન તરફ જતા જોવા મળ્યો હતો જેથી આ અંગે એ ડિવિઝનમાં ફરિયાદ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરની શોધખોળ હાથ ધરી છે.