રાજકોટ ગ્રામ્ય પોલીસના 216 કર્મીની આંતરિક બદલી

રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આજે એક સાથે 216 પોલીસ કર્મચારીની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા મોટા ભાગના તમામ પોલીસ કર્મીઓની બદલી કરી દેવામાં આવી છે. તમામને તાત્કાલિક અસરથી છુટા કરી બદલીના સ્થળે હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.

યાદી તૈયાર કરી તમામની સામૂહિક બદલી રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા તાજેતરમાં એક યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં એક સ્થળ પર 3 કે તેથી વધુ વર્ષથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની યાદી બનાવવામાં આવી હતી. આ પછી તૈયાર યાદી મુજબ આજે 17 જુલાઈએ એક સાથે 216 પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે. જેમાં જિલ્લાના મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બદલી અન્ય તાલુકાના પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવી છે.

આ સાથે બદલી પામેલ કર્મચારીઓને કોઇપણ જાતના બેક રેફરન્સ વગર આજે જ છુટા કરી બદલી પામેલ સ્થળ પર મોકલી આપવા નોંધ કરવામાં આવી છે. એટલું જ નહીં કોઇ કર્મચારી રજા પર કે ગેરહાજર હોય તેમને પણ બારોબાર બદલી પર છુટા કરવા આદેશ કરવામાં આવ્યો છે. તમામ કર્મચારીઓને છુટા કર્યાં બાદ અને હાજર થયા અંગેની જાણ ઈ-મેઈલ મારફતે કરવા સૂચના જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી છે. જો કોઈ કર્મચારીઓને બદલી પર છુટા કરવામાં ચુક કરવામાં આવશે તો તે અંગે જવાબદારી સબંધિત અધિકારીની રહેશે. જે બાબતે ખાસ નોંધ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *