મેક્સિકોના દક્ષિણી રાજ્ય ચિયાપાસના દરિયાકાંઠે શુક્રવારે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. ત્યારબાદ લગભગ 10 લાખ લોકો માટે સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભૂકંપના આંચકા મધ્ય અમેરિકાના ઘણા ભાગોમાં પણ અનુભવાયા છે.
અમેરિકી એજન્સી USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મેક્સિકોના પ્યુર્ટો મડેરો શહેર નજીક હતું. તે 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો, જેનાથી આસપાસના વિસ્તારોમાં તીવ્ર આંચકાની આશંકા વધી ગઈ છે.
US સુનામી વોર્નિંગ સિસ્ટમે આ ક્ષેત્ર માટે સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. 7.4ની તીવ્રતાના ભૂકંપને ‘મેજર’ કેટેગરીમાં રાખવામાં આવે છે, જે મોટા પાયે તબાહી મચાવી શકે છે.
ભૂકંપના આંચકા મેક્સિકોના પડોશી દેશ ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરમાં પણ અનુભવાયા. હાલમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનનો કોઈ અહેવાલ નથી.