રાજકોટના રાધાનગર વિસ્તારમાં રહેતાં બ્યુટી પાર્લર સંચાલિકા સાથે રૂ.25 લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટ મનપાનો કોન્ટ્રાકટર જુના દાગીના નવા બનાવી આપવાનું કહીં 720 ગ્રામ સોનુ પડાવી ગીરવે મૂકી દીધા હોવાનું સામે આવતા બનાવ અંગે પોલીસે 80 લાખમાં સમાધાન કરાવી દિધા બાદ આરોપીએ 55 લાખ પરત આપી બાકીના 25 લાખ પરત આપવામાં ગલાતલા કરી હાથ ઊંચા કરી દેતાં હેતલબેન તુષારભાઈ પરસાણા (ઉ.વ.43)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શક્તિ રમેશ રાઠોડનું નામ આપતાં માલવીયાનગર પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઝીરો ટકા મજુરીએ નવા દાગીના બનાવી સ્કીમ આપી ફરિયાદીએ જણાવ્યું હતું કે, હાલમાં તે ઘરેથી જ શીવહેતુ મેકઓવ નામથી બ્યુટીપાર્લરનું કામકાજ કરી સાથે કોસ્મેટીકની વસ્તુઓનુ પણ વેચાણ કરે છે. જાન્યુઆરી 2025માં તેમની મિત્ર મારફત તેના પિતરાઈ ભાઈ શકિત રાઠોડનો સંપર્ક થયો હતો તે કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ રાખવાનું કામ તથા કોસ્મેટીક આઈટમ લેવેચનું તથા શ્રી રામ પંજાબી ચાઈનીઝ એન્ડ ઢોસા જેવા અલગ અલગ ધંધા કરે છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી 2025માં શકિત રાઠોડએ જણાવ્યું કે, તેના એક મિત્ર સોનાના જુના દાગીનાના બદલામાં ઝીરો ટકા મજુરીએ નવા દાગીના બનાવી આપવાની સ્કીમ ચલાવે છે. જેથી તેની વાતમાં આવી ઘરમાં પડેલ દાગીના પૈકી બેથી ત્રણ દાગીના આપ્યા હતા જે પૈકી બે દાગીના નવા જેવા કરી પરત આપીને વિશ્વાસ કેળવ્યો હતો.
720 ગ્રામ સોનું જુનામાંથી નવા દાગીના બનાવવા લઈ ગયો ત્યારબાદ તે દાગીના પણ શક્તિ રાઠોડ પરત લઇ અને ધીરે-ધીરે ઘરમાં પડેલ સોનાના દાગીના ઉપરાંત લોકરમાં પડેલ સોનાના દાગીના કુલ વજન 720 ગ્રામ જુનામાંથી નવા દાગીના બનાવવા માટે લઇ ગયો હતો. આ તમામ સોનાના દાગીના લઈ જવા સમયે આરોપીએ જણાવ્યું હતું કે, તમારે તાત્કાલિક જરૂર પડે તો 10થી 12 દિવસમાં આપી દેશે બાકી નવા તૈયાર થઇ જશે એટલે તરત તમને આપી દઈશ. ત્યારબાદ નવેમ્બર 2025માં એક લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી સોનાના દાગીનાની જરૂર પડતા શક્તિ રાઠોડને નવા દાગીના આપી જવા જણાવ્યું હતું પરંતુ આપી ગયો ન હતો.