રાજકોટ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવાના ભાગરૂપે સપાટો બોલાવવામાં આવ્યો છે. તાજેતરમાં બનેલી ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં પોલીસે 20 વર્ષથી નાસતા ફરતા આરોપી અને આફ્રિકાથી વતન આવેલા ક્રિકેટ સટ્ટોડિયાને ઝડપી પાડ્યો છે, જ્યારે કોર્ટે દારૂની મોટી હેરાફેરી કરનાર રીઢા બુટલેગરની જામીન અરજી ફગાવી જેલ હવાલે રાખવા આદેશ કર્યો છે.
₹1.77 લાખના દારૂ સાથે ઝડપાયેલા સુનિલ સાકરીયાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી અરજીની વિગત મુજબ, ગત 20 જૂન, 2026ના રોજ પીસીબી (PCB) ટીમે ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી જવાના હાઇ-વે પરથી એક ફોરવ્હીલ કારમાંથી વિદેશી દારૂની 528 નંગ બોટલો સાથે આરોપી સુનિલ ઉર્ફે ચૂકો હકાભાઇ સાકરીયાને ઝડપી લીધો હતો. ટ્રાયલ કોર્ટે જામીન નામંજૂર કર્યા બાદ આરોપીએ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે જામીનનો સખત વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, આરોપી પાસેથી ₹1,77,936 ની કિંમતનો મોટી માત્રામાં ગેરકાયદેસર દારૂ પકડાયો છે.
આ ઉપરાંત આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન (દારૂબંધી) ના 8 જેટલા ગુના નોંધાયેલા છે. જો આવા રીઢા ગુનેગારને જામીન અપાશે તો તેને કાયદાનો ડર રહેશે નહીં અને ફરી આવો ગુનો આચરશે. સરકાર પક્ષની ધારદાર રજૂઆતો અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સેશન્સ જજ ટી.એસ. બ્રહ્મભટ્ટએ આરોપી સુનિલ ઉર્ફે ચૂકાની જામીન અરજી સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી તેને રદ કરી દીધી છે.
રેસકોર્સમાં લાઈવ મેચ પર સટ્ટો રમતો આફ્રિકાનો NRI હસન ઝડપાયો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે રેસકોર્સ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઓપન થિયેટરના ઓટા પર બેસીને એક શખ્સ મોબાઈલ ફોનમાં ઓનલાઇન સટ્ટો રમી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં મોબાઈલ ઓપરેટ કરી રહેલા હસન કાસમ કાલવાનિયા નામના શખ્સને દબોચી લીધો હતો.