જેતપુર સિટી પોલીસે ટ્રાફિક નિયમોના પાલન અને સગીર વયના વાહનચાલકોને રોકવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન, પોલીસે 25 વાહનો ડિટેઈન કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લાયસન્સ વગર જોખમી રીતે વાહન ચલાવતા સગીર વયના બાળકોને અટકાવવામાં આવ્યા હતા. પોલીસે મોટર વાહન અધિનિયમ (M.V. Act)ની કલમ 207 હેઠળ કુલ 25 વાહનો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે વાલીઓને સગીર બાળકોને વાહન ન આપવા અંગે ગંભીરતા સમજાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સગીરના હાથમાં વાહન આપવું તે તેમના પોતાના તેમજ અન્ય રાહદારીઓના જીવ માટે જોખમી બની શકે છે. સગીર બાળક વાહન ચલાવતા પકડાય તો વાલીઓ સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી અને દંડની જોગવાઈ છે. દેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં આશરે 1,77,000 લોકો જીવ ગુમાવે છે, જે એક ચિંતાજનક આંકડો છે.
જેતપુર સિટી પોલીસે લોકોને અપીલ કરી છે કે, 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવીને જ વાહન ચલાવવું. આ ઉપરાંત, નિયત ગતિ મર્યાદામાં વાહન ચલાવવું, ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ટાળવો અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું પણ અનિવાર્ય છે. પોલીસે “જીવન અમૂલ્ય છે, તેની કિંમત સમજો અને તમારા સગીર સંતાનોને વાહન ચલાવવા ન આપો” તેવી ભાવનાત્મક અપીલ પણ કરી હતી.