દાણચોરીના 600 ગ્રામ સોનાની લૂંટમાં પોલીસકર્મીઓ જ આરોપી હોવાનો ખુલાસો

અમદાવાદ શહેરમાં પોલીસકર્મીઓની ઓળખ આપી દુબઈથી દાણચોરી કરી લાવવામાં આવેલા 600 ગ્રામ સોનાની થયેલી લૂંટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સોનાની લૂંટમાં સંડાવોયેલી પારુલ નામની એક યુવતીને ઝડપી પાડી છે. તેની પૂછપરછમાં લૂંટમાં સામેલ બે પોલીસકર્મીઓના નામ પણ ખૂલ્યા છે. એટલે કે લૂંટ સમયે પોલીસની ઓળખ આપનારા જે બે શખસો હતા તે અસલી પોલીસ જ હતા. હાલ બંને પોલીસકર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે.

દુબઈથી દાણચોરી કરી લાવવામાં આવેલા સોનાની અમદાવાદમાં લૂંટ થઈ 27 જૂને અનવર નામનો કેરિયર દુબઈથી 64 લાખની કિંમતનું 600 ગ્રામ સોનું લઈ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. અહીં એરપોર્ટ સિક્યુરિટીને અંધારામાં રાખી બહાર પણ નીકળી ગયો હતો. આ સોનું ઉત્તરપ્રદેશ પહોંચાડવાનું હોય હારીશ અને ઔવેશ નામના બે યુવકો નીકળ્યા હતા. આ સમયે જ એક મહિલા અને બે અન્ય શખસોએ તેનો પીછો કરી બોલેરોમાં બેસાડી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનું લૂંટી લીધું હતું.

લૂંટની જાણ થતા સોનું મંગાવનાર યુપીનો વેપારી અમદાવાદ દોડી આવ્યો દુબઈથી સોનું મંગાવનાર જુનેદ તાહીર આરીફને લૂંટની જાણ થતા જ તે યુપીથી અમદાવાદ દોડી આવ્યો હતો અને એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે તમામ એજન્સીઓ કામે લાગી ગઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં રેકી અને પીછો કરતી મહિલાને શોધી કાઢી હતી.ક્રાઈમ.બ્રાન્ચે અમરાઈવાડીની પારુલ મિસ્ત્રી નામની મહિલાને ઝડપીને સ્થાનિક પોલીસને સોંપી છે.

પારૂલની પૂછપરછમાં બે પોલીસકર્મીઓના નામ ખૂલ્યા પારુલની પૂછપરછમાં લૂંટ સમયે જે બે શખસોએ પોલીસ તરીકેની ઓળખ આપી હતી તે અસલી જ પોલીસકર્મીઓ હોવાનું ખૂલ્યું છે. બંને હેડકવાર્ટરમાં ‘કે’ કંપનીમાં ફરજ બજાવતા હોવાનું ખૂલ્યું છે. જો કે, બંને ફોન સ્વીચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. લૂંટમાં ગયેલું 600 ગ્રામ સોનું પણ આ બંને પોલીસકર્મીઓ પાસે હોય પોલીસે હાલ બંનેની શોધખોળ હાથ ધરી છે. ચર્ચા છે કે, આ બંને પોલીસકર્મીઓનું નેટવર્ક એટલું પાવરફૂલ છે કે, સોનું કે ગાંજા સાથે કોઈ મુસાફર પ્લેનમાં મુસાફરી માટે બેસે કે તરત જ તેની બાતમી આ લોકોને મળી જતી હતી અને તેમણે અગાઉ પણ આવા ખેલ પાડ્યા હોવાનું સામે આવી રહ્યું છે.હાલ બંનેની શોધખોળ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *