દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાએ વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 6-7 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે. જોકે, પૂર્વોત્તર, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે.
ચોમાસાની ટ્રફ હિમાલયની તળેટી તરફ ખસી ગઈ છે. જેના કારણે રાજસ્થાન, ગુજરાત, એમપી, દિલ્હીમાં સૂકી હવાઓ ચાલી રહી છે. હવામાં રહેલા ભેજને કારણે અઠવાડિયા સુધી ઉકળાટ રહેશે.
ઘણા શહેરોમાં તાપમાન 32 થી 37 ડિગ્રી સેલ્સિયસ હોવા છતાં, ‘ફીલ લાઈક’ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
બીજી તરફ, પૂર્વોત્તરમાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બિહાર, આસામ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલમાં ભૂસ્ખલન અને પૂરના અહેવાલો સામે આવી રહ્યા છે.
સોમવારે અરુણાચલના કુરુંગ કુમે જિલ્લામાં કુમે નદીમાં પૂર આવ્યા બાદ ભારત-ચીન સરહદ (LAC) નજીક તાપા બોર્ડર આઉટપોસ્ટ પર તૈનાત ITBPના 15 જવાનો સાથે સંપર્ક તૂટી ગયો હતો.
આસામના ટિયોકમાં પુથી નદીએ એક પાળો તોડી નાખ્યો. ઘણા ગામો અને ખેતીની જમીન પાણીમાં ડૂબી ગઈ છે. ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા.
હીટ ઇન્ડેક્સ એટલે કે ફીલ લાઇક ટેમ્પરેચર વધશે
ખરેખર, હવામાં ભેજ વધવાથી શરીરમાંથી નીકળતો પરસેવો ઝડપથી સુકાતો નથી. આનાથી શરીર ઠંડું નથી થઈ શકતું અને હવામાન વાસ્તવિક તાપમાન કરતાં ઘણું ગરમ લાગે છે. આને હીટ ઇન્ડેક્સ કહે છે. ભુવનેશ્વરમાં 36° ડિગ્રી તાપમાન અને 63% ભેજ સાથે હીટ ઇન્ડેક્સ 49°C સુધી પહોંચી ગયો. મુંબઈમાં 32°C તાપમાન હોવા છતાં 70% ભેજને કારણે 40° ડિગ્રી જેવી ગરમી અનુભવાઈ રહી છે. દિલ્હી અને શ્રીગંગાનગરમાં હીટ ઇન્ડેક્સ લગભગ 45-46° ડિગ્રી સેલ્સિયસ છે.