રાજકોટમાં કાળા કાચવાળી સ્કોર્પિયોના ફૂટ સ્ટેપ પર ઊભા રહી વૃદ્ધાએ કર્યા સ્ટંટ

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને લાઈક્સ-વ્યૂઝ મેળવવા માટે યુવા પેઢી રીલ્સ બનાવીને વાહનો પર જોખમી સ્ટંટ કરતી હોવાના અનેક કિસ્સાઓ અને વીડિયો અત્યાર સુધી સામે આવ્યા છે પરંતુ, રંગીલા રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વૃદ્ધાને પણ સોશિયલ મીડિયા રીલ્સનો એવો ચસ્કો લાગ્યો છે કે તેમણે ચાલુ સ્કોર્પિયો કારે જોખમી સ્ટંટ કરી નાખ્યો હતો. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેને પગલે રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસે તાત્કાલિક ધોરણે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક શાસ્ત્રી મેદાન ખાતે આ અજીબોગરીબ ઘટના ઘટી હતી. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મેદાનની અંદર એક કાળા કલરની લક્ઝુરિયસ સ્કોર્પિયો કાર (જેનો રજીસ્ટ્રેશન નંબર GJ.03.PR.0010 છે) ગોળ-ગોળ ફરી રહી છે. આ ચાલુ કારનો આગળનો દરવાજો ખોલીને, તેના ફૂટ સ્ટેપ (પગથિયા) પર એક વૃદ્ધા જોખમી રીતે ઊભા છે. વીડિયો શૂટિંગ દરમિયાન તેઓ ફિલ્મી અંદાજમાં હાથ હલાવીને સ્વેગ બતાવી રહ્યા છે અને સ્ટંટનો આ લહાવો માણી રહ્યા છે.

ધીમી સ્પીડ છતાં મોટી દુર્ઘટના સર્જાવાનું જોખમ આ વાઇરલ વીડિયોમાં દેખાતી કાળા કલરની સ્કોર્પિયો કારના કાચ પણ નિયમ વિરુદ્ધ કાળા (ટીન્ટેડ ગ્લાસ) હોવાનું નજરે પડે છે. વીડિયોમાં કારની સ્પીડ પ્રમાણમાં સાવ ધીમી રાખવામાં આવી છે, પરંતુ કાયદા અને સુરક્ષાની દ્રષ્ટિએ આ પ્રકારની બેદરકારી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ચાલુ કારે જો વૃદ્ધાની એક નાની સરખી ભૂલ થાય, પગ લપસે કે ડ્રાઈવરની નજર ચૂક થાય, તો વૃદ્ધા સીધા કારના વ્હીલ નીચે આવી શકે છે અને મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાઈ શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *