અમેરિકાએ રવિવારે ઈરાનમાં 140 સ્થળો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર, હુમલાની આ ત્રીજી કડીમાં ઈરાનને મોટું નુકસાન થયું છે.
આ હુમલા કિશ્મ, સીરિક, બંદર અબ્બાસ, જાસ્ક, બુશેહર, ખોંદોબ, બંદર મહશહર, બેહબહાન, અંદીમેશ્ક, દેજફુલ, અહવાઝ, અબાદાન અને ખુર્રમશહર જેવા વિસ્તારોમાં કરવામાં આવ્યા છે.
બીજી તરફ, ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનીના સલાહકાર મોહસિન રેઝાઈએ જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રધૂની) ઈરાન માટે ડઝનબંધ પરમાણુ બોમ્બ કરતાં પણ વધુ મહત્વની છે. ISNA ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, રેઝાઈએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન કોઈપણ સંજોગોમાં હોર્મુઝનું રક્ષણ કરશે.
GFS ગેલેક્સી’ જહાજ પર થયેલા હુમલા વખતે તેમાં 11 ભારતીયો સવાર હતા. જેમાંથી 10 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે એક ભારતીય હજુ પણ ગુમ છે. ભારતે આ હુમલાની સખત નિંદા કરીને વ્યાપારી જહાજો પરના હુમલા તાત્કાલિક રોકવા અપીલ કરી છે.
કતારમાં થયેલા હુમલા બાદ એક બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. કુવૈતમાં સરહદી ચોકીઓ અને ઓઇલ રિગ્સને નુકસાન પહોંચ્યું છે, જ્યારે ઓમાને ડ્રોન હુમલા અંગે ઈરાનના રાજદૂતને સમન્સ પાઠવી વિરોધ નોંધાવ્યો છે.