બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવના ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો. કોર્ટે તેને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી.
હાઈકોર્ટે ચેક બાઉન્સના 7 કેસોમાંથી દરેક કેસમાં તેને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી છે. તમામ સજાઓ એકસાથે ચાલશે.
કોર્ટે કહ્યું કે, એક્ટરે દરેક કેસમાં ફરિયાદીને 1.05 કરોડ રૂપિયા આપવા પડશે. એટલે કે કુલ 7 કરોડ 35 લાખ રૂપિયા ચૂકવવા પડશે. જજે સ્પષ્ટ કર્યું કે, એક્ટર લગભગ 2 કરોડ રૂપિયા પહેલા જ આપી ચૂક્યા છે, આ રકમને એડજસ્ટ કરવામાં આવશે.
આખો મામલો વર્ષ 2010નો છે, જ્યારે રાજપાલ યાદવે પોતાની એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. બાકી રકમ પરત ન કરવા અને ચેક બાઉન્સ થયા બાદ આ વિવાદ લાંબા સમયથી અદાલતમાં ચાલી રહ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટમાં મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ વતી હાજર રહેલા વકીલ અવનીશ સિક્કાએ જણાવ્યું, ‘રાજપાલ યાદવ દ્વારા દાખલ કરાયેલી તમામ 21 અરજીઓ ફગાવી દેવામાં આવી છે. સેશન્સ કોર્ટના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો છે. આ કેસમાં રાજપાલ યાદવની પત્ની રાધા રાજપાલ યાદવ પણ આરોપી હતી. કોર્ટે તેમને દરેક કેસમાં 5 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે.’