રાજકોટ ગ્રામ્ય SOG શાખાએ ઉપલેટા પંથકમાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામેની ઝુંબેશમાં મોટી સફળતા મેળવી છે. ઉપલેટાના ચીખલીયા ગામે એક રહેણાંક મકાન પર દરોડો પાડી પોલીસે ૧૭ કિલોથી વધુ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી છે.
આ કાર્યવાહી ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારના ચીખલીયા ગામમાં થઈ હતી. SOG શાખાને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, ચીખલીયા ગામે મોટી મારડ રોડ પર કે.જી.એન. દુકાન પાસેના એક રહેણાંક મકાનમાં ગાંજાનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ માહિતીના આધારે SOG ટીમે સરકારી પંચો અને FSL અધિકારીને સાથે રાખીને મકાન પર દરોડો પાડ્યો હતો.
મકાનની તપાસ દરમિયાન દક્ષિણ બાજુના રૂમમાંથી પીળા રંગના પ્લાસ્ટિકના બાચકામાંથી લીલાશ પડતો અને ભુખરા રંગનો વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. કુલ ૧૭ કિલો ૩૪૨ ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો, જેની બજાર કિંમત આશરે ૮ લાખ ૬૭ હજાર ૧૦૦ રૂપિયા થાય છે. પોલીસે ઘટના સ્થળેથી ૨૩ વર્ષીય મુખ્ય આરોપી સીરાજ હનીફભાઇ વિસરની ધરપકડ કરી હતી. ગાંજાના જથ્થા ઉપરાંત મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૮,૭૨,૧૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.