અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન તેમની હત્યા કરશે તો અમેરિકા જવાબી કાર્યવાહી કરશે. ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું, “હું ઘણા સમયથી તેમના નિશાના પર છું. જો મારી સાથે કંઈક થશે, તો મેં પહેલેથી જ એવા આદેશો આપી દીધા છે કે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવે.”
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં એવું પણ કહ્યું કે અમેરિકા ઈરાન સાથે વાતચીત માટે તૈયાર થઈ ગયું છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે બંને દેશો વચ્ચે થયેલું સીઝફાયર હવે ખતમ થઈ ચૂક્યું છે.
બીજી તરફ, ઈઝરાયલી મીડિયા કાન ન્યૂઝના અહેવાલ મુજબ, અમેરિકાએ ઈઝરાયલમાંથી પોતાના 12 F-22 સ્ટેલ્થ ફાઈટર જેટ પાછા બોલાવવાનું શરૂ કરી દીધું છે. આ વિમાનો ફેબ્રુઆરીથી ઈઝરાયલના ઓવદા એરબેઝ પર તૈનાત હતા. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વિમાનોને ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન માટે મોકલવામાં આવ્યા હતા અને તેમણે તાજેતરના હુમલાઓમાં પણ ભાગ લીધો હતો.
ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે જણાવ્યું છે કે જો ઈઝરાયલ તેના મહત્વના ઠેકાણાઓ પર ફરીથી હુમલો કરશે તો કડક જવાબ આપવામાં આવશે. આ પહેલા ઈઝરાયલના પીએમ નેતાન્યાહુએ હુમલાની ચેતવણી આપી હતી.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાનના એ દાવાને ફગાવી દીધો છે કે હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રધૂની) પરથી પસાર થતા જહાજો પર તેનું નિયંત્રણ છે. CENTCOM એ જણાવ્યું કે અત્યાર સુધીમાં 800 થી વધુ વ્યાપારી જહાજો અને 38 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ હોર્મુઝ પાર કરી ચૂક્યા છે.