રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ વિસ્તારમાં રાજવી પરિવારના ઘરે થયેલી 2.49 કરોડની લૂંટ કેસમાં આજે વધુ ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ કેસમાં મુખ્ય આરોપી અને ટીપ આપનાર સહિત 6 શખ્સો ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી 17 જૂનના રોજ લૂંટના ગુનાને અંજામ આપવા નીકળ્યા હતા, પરંતુ કાળું પક્ષી આડું ઉતરતા તેને અપશુકન માની પ્લાન કેન્સલ કરી બીજા દિવસે 18 જૂને લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો.
હાલ પોલીસે મધ્યપ્રદેશની ગેંગના 4 આરોપીની ધરપકડ કરી વધુ 17 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે અગાઉ 3 આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 76.86 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 18 અને 19 જૂનના રાત્રિના સમયે થયેલી અઢી કરોડની લૂંટ કેસમાં અગાઉ 3 બાદ આજે વધુ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય આરોપી પણ મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે. આજે પોલીસે રામેશ્વર ઉર્ફે પપ્પુ મચ્છાર, સાગર ઉર્ફે સાગરિયા મેડા, રાજુ ભાભોર અને વિજન માવીની ધરપકડ કરી લૂંટમાં વપરાયેલી એક તુફાન કાર, એક બાઈક અને રોકડ મળી કુલ 17.02 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.