સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ વચ્ચે આજે સાંજે રાંદેર વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાંદેરગામમાં ધોધમાર વરસાદમાં નાહ્યા બાદ એક યુવકને લોખંડની સીડીમાંથી જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. મિત્ર અને પાડોશીને તડફડતો જોઈ તેને બચાવવા દોડેલા અન્ય એક આધેડ વયના મિત્રને પણ કરંટ આંબી ગયો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બંનેના કરુણ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે માતમ છવાઈ ગયો છે. મૃતક યુવકની પત્નીના હૈયાફાટ રુદનથી પથ્થર દિલના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
મળતી વિગતો અનુસાર, રાંદેરગામમાં મોટી મસ્જિદ પાસે આવેલી સુઝાતખાન સ્ટ્રીટમાં 28 વર્ષીય આઝમ આલમ અબ્દુલ કમાલ રહેતો હતો અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આજે સાંજે સુરતમાં પડેલા ધોધમાર વરસાદમાં આઝમ ઘરની બહાર વરસાદી પાણીમાં નાહવા માટે ગયો હતો. વરસાદમાં નાહ્યા બાદ તે ભીના કપડે પરત ઘરમાં આવી રહ્યો હતો. આ દરમિયાન ઘરની લોખંડની સીડી ચઢતી વખતે તેમાં ઉતરેલા શોર્ટ સર્કિટના ભારે કરંટની ચપેટમાં આઝમ આવી ગયો હતો. કરંટ એટલો જોરદાર હતો કે આઝમ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો અને ચીસાચીસ કરી મૂકી હતી.
આઝમને કરંટ લાગ્યો હોવાની અને તે તરફડી રહ્યો હોવાની જાણ પાડોશમાં જ રહેતા તેના મિત્ર 43 વર્ષીય મોહમ્મદ સલમાન મોહમ્મદ ઈરશાદ શેખને થઈ હતી. માનવતા અને મિત્રતાના નાતે સલમાન ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આઝમને બચાવવા માટે દોડ્યો હતો. પરંતુ કમનસીબે, જેવો સલમાને આઝમને પકડવાનો કે બચાવવાનો પ્રયાસ કર્યો, તે સાથે જ ભીના શરીરના કારણે હાઈવોલ્ટેજ કરંટ સલમાનના શરીરમાં પણ પસાર થઈ ગયો હતો. જોતજોતામાં બંને મિત્રો કરંટના કારણે ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા.