વાત 1938ની છે. ગુજરાતના હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન મળવાનું હતું. મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ હાજર રહેવાના હતા. આની વ્યવસ્થા માટે ગાંધીજી અને સરદાર પટેલ ચર્ચા કરતા હતા. ગાંધીજીએ સરદારને કહ્યું, અધિવેશનમાં જેટલા સભ્યો આવે તે બધાને દૂધ તો ગાયનું જ આપવાનું છે. સરદારને થયું કે હજારોની સંખ્યામાં પ્રતિનિધિઓ આવશે તો બધાને ગાયનું દૂધ કેવી રીતે આપવું. ખેડા પંથકમાં ગાયો જ બહુ ઓછી છે. સરદારે મજાકમાં ગાંધીજીને કહ્યું, ખેડામાં ગાય તો બહુ નથી, ભેંસ ઘણી છે. એ ભેંસોને સફેદો મારીને ગાય બનાવી દઈશું. ગાંધીજી હસી પડ્યા ને કહ્યું, મને ખ્યાલ છે કે મેં આ કામ સરદારને સોંપ્યું છે એટલે એ થઈ જ જશે. સરદાર પટેલે વિચાર્યું, હજારો લોકોને ગાયનું દૂધ આપવા માટે ગૌશાળા ઊભી કરવી પડશે. તેમણે તાબડતોબ કાંકરેજથી 200 ગાય મગાવી, ગીરમાંથી 500 ગાય મગાવી અને ઉત્તર ગુજરાતમાંથી બીજી ગાયો મગાવીને હરિપુરામાં ગૌશાળા ઊભી કરી દીધી. એ સમયે ગૌશાળા નિષ્ણાત પાણિકરજી હતા. તેમની આગેવાનીમાં સંખ્યાબંધ ગોવાળોને બોલાવ્યા અને કોંગ્રેસના અધિવેશનમાં આવેલા પ્રતિનિધિઓને સતત ત્રણ દિવસ ગાયનું દૂધ પીવડાવ્યું.
1915માં અમદાવાદની ગુજરાત ક્લબમાં સૂટ-બૂટ પહેરલા અને બૅરિસ્ટર વલ્લભભાઈ પટેલે પહેલીવાર કોઈના મોઢે ગાંધીજી વિશે સાંભળ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું, “મને કોઈએ કહ્યું છે કે તે સાઉથ આફ્રિકાથી આવ્યા છે. સાચું કહું તો મને આવા લોકોમાં રસ નથી. આપણે ત્યાં આમ પણ બહુ મહાત્માઓ છે.”
બે જ વર્ષ પછી, 1917માં ગોધરામાં યોજાયેલી ગુજરાત પોલિટિકલ કોન્ફરન્સમાં સરદાર પટેલ પહેલી વાર મહાત્મા ગાંધીને મળ્યા ત્યાં સુધીમાં તેમનો અભિપ્રાય બદલાઈ ચુક્યો હતો, અને ગાંધીજીની ચળવળમાં જોડાવાનો નિર્ણય કરીને તે બોલ્યા હતા, “મને એવું લાગ્યું હતું કે મહાત્માથી છેટા રહેવું એ અપરાધ છે.”
ભારતની આઝાદીની ચળવળમાં પ્રાણ ફૂંકવામાં ત્રણ આંદોલનોની મહત્ત્વની ભૂમિકા છે; ચંપારણ સત્યાગ્રહ, અમદાવાદ મિલ હડતાળ અને ખેડા સત્યાગ્રહ. આમાં ખેડા સત્યાગ્રહે એક તરફ અંગ્રેજ શાસન સામેના આક્રોશમાં લોકોને સંગઠિત કર્યા, તો બીજી તરફ તેમાંથી ગાંધીજી અને સરદાર પટેલની જુગલજોડીની શરૂઆત થઈ. ખેડા સત્યાગ્રહ અને ગાંધીજી સાથે જોડાવા માટે સરદાર પટેલે એક ઝાટકે બેરિસ્ટરી છોડી દીધી.
વકીલાત છોડીને સત્યાગ્રહમાં જોડાવાના સરદારના નિર્ણય અંગે ગાંધીજી કહ્યું હતું, “વલ્લભભાઈએ મને કહ્યું કે-મારી પ્રેકટિસ ધમધોકાર ચાલી રહી છે તેમાં કોઈ શંકા નથી. મ્યુનિસિપાલટીમાં પણ હું મોટું કામ કરી રહ્યો છું, પરંતુ ખેડામાં ખેડૂતોનો સંઘર્ષ તેના કરતાં મોટો છે. મારી પ્રેક્ટિસ આજે છે અને કાલે નહીં હોય. મારા પૈસા તો કાલે ઊડી જશે, મારા વારસદારો એને ફૂંકી મારશે એટલે મારે પૈસા કરતાં મોટો વારસો મૂકીને જવું છે.”
સરદારે તેમના નિર્ણય વિશે કહ્યું હતું, “મેં ક્ષણિક આવેગમાં આવીને નહીં, પણ બહુ મંથન કરીને આ જીવન પસંદ કર્યું છે.” એ નિર્ણય માત્ર એમની જિંદગી જ નહીં, રાષ્ટ્રની નિયતિને બદલી નાખવાનો હતો.
1915 આસપાસ ખેડામાં પણ ખેડૂતો પ્રકૃતિ અને બ્રિટિશ સરકાર સામે ઝઝૂમી રહ્યા હતા. ખાસ કરીને 1917માં અતિવૃષ્ટિને કારણે જિલ્લામાં પાક નિષ્ફળ ગયો હતો. ખેડામાં વર્ષે સરેરાશ 30 ઇંચ વરસાદ પડતો હતો, પણ તે વર્ષે છે સિત્તેર ઇંચ પડ્યો અને લાંબો ચાલ્યો. પરિણામ બે પાક સળંગ નિષ્ફળ ગયા. ચોમાસુ પાક તો બગડ્યો અને ક્યાંય રવીપાક થયો હતો ત્યાં ઉંદરોએ તેનો નાશ કર્યો હતો.