કોટડાસાંગાણીની જૂથ સેવા સહકારી મંડળીની 10 ટકા ડિવિડન્ડની જાહેરાત

કોટડા સાંગાણી ખાતે જૂથ સેવા સહકારી મંડળીની ૭૦મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ રાજુભાઈ ભૂતની અધ્યક્ષતામાં સંઘના કાર્યાલય ખાતે યોજાઈ હતી.

આ સભામાં મંડળીની વર્ષભરની કામગીરી અને આર્થિક સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં મંડળીના વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં જણાવ્યા મુજબ મંડળીએ ગત વર્ષ દરમિયાન ૨૮ લાખ રૂપિયાનો માતબર નફો કર્યો છે.

ખાસ નોંધનીય છે કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નફામાં ૪ લાખ રૂપિયાથી વધુનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મંડળીની આ ઉત્કૃષ્ટ આર્થિક કામગીરીને પગલે સભાસદો માટે ૧૦% ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતો અને સભાસદોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

આ સાધારણ સભામાં મંડળીના ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ જાડેજા, કોટડા માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન બાબુભાઈ સાવલિયા, રાજકોટ ડેરીના ડિરેક્ટર સુરેશભાઈ લુણાગરિયા તેમજ મંડળીના તમામ કમિટી સભ્યો અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન વાર્ષિક હિસાબોને મંજૂરી આપવામાં આવી હતી અને મંડળીના આગામી આયોજનો અંગે સર્વાનુમતે ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *