રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત ફેબ્ર્રુઆરી માસમાં જંગલેશ્વરમાં થયેલા મેગા ડિમોલિશનમાં જમણવારથી માંડીને વીડિયોગ્રાફી સુધીના ખર્ચે વિવાદનો મધપુડો છંછેડ્યો છે. જમણવારના રૂ. 27 લાખ ઉપરાંતના ખર્ચ, પાણીની બોટલના રૂ.12 લાખ અને વીડિયોગ્રાફી તથા ડ્રોન દ્વારા કરાયેલી કામગીરી માટે રૂ. 27 લાખથી વધુના તોતિંગ ખર્ચને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે આ મામલે આજે ધારાસભ્ય ઉદય કાનગડ, મેયર ડો. નેહલ શુક્લ અને મ્યુ. કમિશ્નરે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં MLA કાનગડે જણાવ્યું કે, કોન્ટ્રાક્ટરે જે બિલો મુક્યા છે તે નિયમ મુજબ જ છે, છતાં 2-5% ખોટું થયું હોય તો પણ પગલાં લેવાશે. તો મેયર ડો. નેહલ શુકલે કહ્યું હતું કે, આ મામલે તપાસ સમિતિ રચવામાં આવશે અને રેટ કોન્ટ્રાકટ મામલે નવી પોલિસી ઘડવા માટે પણ વિચારણા થશે. તો મનપા કમિશ્નર તુષાર સુમેરએ કહ્યું હતું કે, આખી પ્રક્રિયાનાં ઇન્ચાર્જ સિવાયના લોકો પાસે એક-એક રૂપિયાના ખર્ચની તપાસ કરાવવામાં આવશે. જો કોઈને ખોટી રીતે ચુકવણી થઈ હશે તો તેવા બીલની રકમ પરત લેવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા ફેબ્રુઆરી માસમાં પાંચ દિવસ સુધી જંગલેશ્ર્વરમાં કરાયેલા મેગા ડિમોલિશન કાર્યવાહી દરમિયાન 1600થી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડીને રૂ.350 કરોડ ઉપરાંતની જમીન ખુલ્લી કરાઇ હતી. ડિમોલિશનના ચાર મહિના બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં ડિમોલિશન દરમિયાન જમણવાર સહિતના ખર્ચની દરખાસ્ત આવતા ચેરમેન પરેશ પીપળીયાને દરખાસ્ત શંકાસ્પદ લાગતા તે પેન્ડિંગ રાખવા આદેશ ર્ક્યો હતો. ગત બુધવારના આ ઘટનાક્રમ પછી જંગલેશ્વર ડિમોલિશનમાં અઢી રૂપિયાની પાણીની બોટલ મહાનગરપાલિકાએ ઓનમાં રૂ. આઠના ભાવે ખરીદી હોવાના વિવાદ ઉભો થયો હતો.
આવી જરીતે કાજુ કતરી અને ખજુર રોલ સહિતની મીઠાઇના તોતિંગ ખર્ચે પણ શંકા જગાવી હતી. છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલો અને શાસકો તેમજ પ્રશાસકો માટે ગળાનું હાડકું બનેલા ખર્ચનો વિવાદ હળવો કરવા આજે ધારાસભ્ય ઉદય કાનગડે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે આડકતરી રીતે કોન્ટ્રાક્ટરને બચાવવા પ્રયાસ કર્યો હતો. અને જરાપણ ખોટું થયું હોય તો જવાબદારો સામે પગલાં લેવા ખાતરી આપી હતી. જ્યારે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મેયર ડો. નેહલ શુકલ અને ચેરમેન પરેશ પીપળીયાએ પત્રકાર પરિષદ યોજીને આ બાબતે તલસ્પર્શી તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની તપાસ સમિતિ રચવા કમિશનરને લેખિત પત્ર પાઠવીને હુકમ ર્ક્યો હોવાનું જણાવ્યું હતું. આ બાબત મ્યુ. કમિશ્નરે ડિમોલિશનની જવાબદારી જેમના શિરે હતી તેના સિવાયના ઉચ્ચ અધિકારીઓ પાસે ઝીણવટ પૂર્વક તપાસ કરી ખોટી રીતે મંજુર બિલની રકમ પરત લેવાની ખાતરી આપી હતી.