વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન હેઠળની વિશ્વામિત્રી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ (PSI) વતી ₹10,000ની લાંચ સ્વીકારતા એએસઆઈ (ASI)ને વડોદરા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ ભ્રષ્ટાચારના કેસને ગંભીરતાથી લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી મહિલા PSI મલ્લિકાબેન પરમાર અને ASI જયકિશન ગામેતીને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
ફરિયાદીને હેરાન ન કરવા 25 હજારની લાંચ માગી એક જાગૃત નાગરિક વિરુદ્ધ ગત 1 જૂનના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારીનો એક ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ વિશ્વામિત્રી પોલીસ ચોકીના મહિલા PSI મલ્લિકા પરમાર કરી રહ્યા હતા. તપાસ દરમિયાન ફરિયાદીને હેરાન ન કરવા અને કોર્ટમાંથી જામીનની પ્રક્રિયા ઝડપથી પૂરી કરી આપવાના બદલામાં PSI મલ્લિકા પરમારે શરૂઆતમાં ₹25,000ની માગણી કરી હતી. જોકે, રકઝકના અંતે ₹10,000 આપવાનું નક્કી થયું હતું. મહિલા PSIએ આ લાંચની રકમ માંજલપુર પોલીસ મથકની સર્વેલન્સ સ્ક્વોડના એએસઆઈ જયકિશન ગામેતીને સોંપી દેવા જણાવ્યું હતું.
ફરિયાદી નાગરિક લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની અરજીના આધારે એસીબીની ટીમે ગત શનિવારે માંજલપુર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા ભાવના ઝેરોક્સ સામેના રોડ પર લાંચનું છટકું ગોઠવ્યું હતું. નક્કી થયા મુજબ, એએસઆઈ જયકિશને ફરિયાદીને લાંચના નાણાં પોતાની મારુતિ સ્વિફ્ટ કારના ડેશબોર્ડ પર મૂકી દેવા ઈશારો કર્યો હતો. ફરિયાદીએ જેવી રકમ ત્યાં મૂકી, કે તરત જ વોચમાં ઉભેલી એસીબીની ટીમે ત્રાટકીને લાંચિયા ASIને દબોચી લીધો હતો અને લાંચની રકમ રિકવર કરી લીધી હતી.