રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કાયદો અને વ્યવસ્થાને પડકારતી તેમજ ચોંકાવનારી પાંચ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં માસૂમ બાળકી સાથે વિકૃત હરકતો, વિદેશ રહેતા વેપારીના ઘરમાં મોટી ચોરી, સાયબર ક્રાઈમનું આંતરરાજ્ય કૌભાંડ તેમજ રોડ રેજ (માર્ગ અકસ્માત વિવાદ) ની ઘટનાઓ મુખ્ય છે. પોલીસે તમામ બનાવો અંગે ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ભગતસિંહજી ગાર્ડન પાસે માસૂમ બાળકી સાથે વિકૃત હરકતો કરનાર રવિ ટેલાણી સામે પોક્સો શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ભગતસિંહજી ગાર્ડન નજીક એક શરમનાક ઘટના સામે આવી છે. અહીં રહેતા રવિ ટેલાણી નામના શખ્સે વિસ્તારમાં રહેતી એક 11 વર્ષની માસૂમ બાળકી સાથે વિકૃત હરકતો કરી હતી. ગત તા. 8 જૂનના રોજ સાંજના સમયે બાળકી ઘર પાસે રમતી હતી, ત્યારે આરોપીએ “તું અહીં મારી પાસે આવ, તારું કામ છે” તેમ કહીને તેને બોલાવી હતી.
ત્યારબાદ આરોપીએ બાળકીના ગળાના ભાગે હાથ રાખીને બીભત્સ અડપલાં શરૂ કરી દીધા હતા. આ હરકતથી ડરી ગયેલી બાળકીએ ઘરે જઈને માતાને આપવીતી જણાવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદના આધારે આરોપી રવિ ટેલાણી વિરૂદ્ધ છેડતી અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
દુબઈ રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના બંધ મકાનમાંથી 5.75 લાખની ચોરી ગાંધીગ્રામ પોલીસ મથકની હદમાં તસ્કરોએ જાણે ધામા નાખ્યા છે. 150 ફૂટ રિંગ રોડ પર મોદી સ્કૂલ પાછળ સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતા 62 વર્ષીય રમેશલાલ જીવનભાઈ ગાધેરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. રમેશલાલ દુબઈ (UAE) ખાતે ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરે છે. ગત જાન્યુઆરી મહિનામાં તેઓ પરિવાર સાથે ભત્રીજાના લગ્નમાં રાજકોટ આવ્યા હતા અને 26 ફેબ્રુઆરીના રોજ મકાનને લોક કરીને પરત દુબઈ ચાલ્યા ગયા હતા.