રાજકોટ મહાપાલિકા દ્વારા આગામી સમયમાં ત્રણેય ઝોનમાં જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર ડૉ. નેહલ શુક્લએ જણાવ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચાડવા અને વિકસિત ગુજરાત@2047ના ધ્યેયને સાકાર કરવા આ શિબિરો યોજાશે. રાજકોટનાં ત્રણેય ઝોનમાં સવારના 10:00 થી સાંજના 05:00 કલાક સુધી આ કાર્યક્રમ ચાલશે. જેમાં 16-06-2026ના રોજ વેસ્ટ ઝોનમાં કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હૉલ, 17-06-2026ના રોજ ઈસ્ટ ઝોનમાં અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ અને 18-06-2026ના રોજ સેન્ટ્રલ ઝોનમાં વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હૉલ ખાતે શિબિર યોજાશે. આ શિબિરોમાં આધાર કાર્ડ નોંધણી અને સુધારા, આયુષ્માન ભારત યોજના (આવક મર્યાદા રૂ. 4,00,000/- અને સીનિયર સિટીઝન માટે રૂ. 6,00,000/-), આયુષ્માન વય વંદના, નમોશ્રી યોજના, હેલ્થ વેલનેસ કાર્ડ, PM SVANidhi, પી.એમ. સૂર્યઘર યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના (આવક મર્યાદા રૂ. 6 લાખથી ઓછી), નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, રાષ્ટ્રીય કુટુંબ સહાય, ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન, ગંગા સ્વરૂપા વિધવા સહાય તથા ફ્રી શીપ કાર્ડ જેવી 16 જેટલી વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ જરૂરી આધાર પુરાવા સાથે સ્થળ ઉપર મેળવી શકાશે. ત્યારે વધુમાં વધુ લોકોને તેનો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.
વાવડી રોડ પર રૂ. 21 લાખના ખર્ચે આધુનિક સેન્ટ્રલ લાઇટિંગ સુવિધાનું લોકાર્પણ કરાયું
રાજકોટ મનપા દ્વારા શહેરી માળખાકીય સુવિધાઓના વિકાસ અને માર્ગ સુરક્ષા વધારવાના ભાગરૂપે વાવડી રોડ પર સેન્ટ્રલ લાઇટિંગ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પુનિતનગર ચોકથી વાવડી ગામના ગેઇટ સુધીના માર્ગ પર અંદાજે રૂ. 21 લાખનાં ખર્ચે નવીન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ લોકાર્પણ પ્રસંગે મેયર ડૉ.નેહલ શુકલ, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા સહિત અગ્રણીઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. આ કામગીરી અંતર્ગત માર્ગના મધ્યભાગમાં કુલ 43 નંગ સેન્ટ્રલ લાઇટિંગ પોલ ઊભા કરવામાં આવ્યા છે, જેના પર 90 વોટની ક્ષમતાવાળા કુલ 92 નંગ આધુનિક એલઇડી સ્ટ્રીટલાઈટ ફિક્સર સ્થાપિત કરાયા છે. વાવડી રોડ ઝડપથી વિકસતો વિસ્તાર હોવાથી અહીં રોજિંદી મોટી સંખ્યામાં વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોની અવરજવર રહે છે. અગાઉ રાત્રિના સમયે પૂરતો પ્રકાશ ન હોવાથી લોકોને અસુવિધા થતી હતી, પરંતુ હવે નવી સેન્ટ્રલ લાઇટિંગથી અકસ્માતોની સંભાવના ઘટશે. આ ઊર્જા કાર્યક્ષમ એલઇડી લાઇટોના કારણે વીજ વપરાશ અને જાળવણી ખર્ચમાં પણ મોટી બચત થશે.