ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એક અજાણી વ્યક્તિએ તેમને ઇ-મેલ મોકલીને 20 કરોડ રૂપિયાની માગણી કરી છે. તેણે કહ્યું છે કે તે દેશના શ્રેષ્ઠ શૂટરો દ્વારા તેમને મારી નાખશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અંબાણીને ગુરુવારે (27 ઓક્ટોબર) સાંજે આ ધમકી મળી હતી.
ઇ-મેલમાં લખ્યું હતું, ‘જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે’. આ ઈ-મેલ મળ્યા બાદ મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે ગામદેવી પોલીસે આઇપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણી વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર નોંધીને તપાસ શરૂ કરી છે.
મુકેશ અંબાણી પાસે Z+ સિક્યોરિટી છે
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)એ 29 સપ્ટેમ્બરે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષા વધારી દીધી હતી. MHAએ તેમને Z+ કેટેગરીની સુરક્ષા આપી છે. સિક્યોરિટીનો ખર્ચ મુકેશ અંબાણી આપશે. આ ખર્ચ 40થી 45 લાખ રૂપિયા પ્રતિ માસ થાય છે. અગાઉ તેમને Z કેટેગરીની સુરક્ષા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IBની ભલામણ પર ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. IBએ મુકેશ અંબાણી પર જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.