વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2019માં શરૂ કરાયેલા ‘ફિટ ઇન્ડિયા મુવમેન્ટ’ પ્રોજેક્ટ અંતર્ગત વીરપુર પોલીસે સ્વાસ્થ્ય જાગૃતિ માટે એક અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. રવિવારના રોજ વીરપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.જી. રાઠોડની આગેવાની હેઠળ ‘સન્ડે ઓન સાયકલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ સવારે 8 વાગ્યે વીરપુર પોલીસ સ્ટેશન ખાતેથી શરૂ થયો હતો. પી.આઈ. રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ આ સાયકલ રેલીમાં પોલીસ જવાનો અને ઉત્સાહી નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમણે ફિટનેસનો સકારાત્મક સંદેશ આપ્યો હતો.
વીરપુર પોલીસ સ્ટેશનથી શરૂ થયેલી આ જાગૃતિ સાયકલ યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ સવારે 9 વાગ્યે ઐતિહાસિક સ્થળ મીનળવાવ ખાતે પૂર્ણ થઈ હતી. એક કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ફિટ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ સાયકલિંગની સાથે યોગ, ઝુમ્બા ડાન્સ અને દોરડા પર કૂદકા મારવા જેવી આરોગ્યપ્રદ કસરતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.