જસદણ પોલીસે નવા બસ સ્ટેન્ડ સામે આવેલા ક્રાંતિ એન્જિનિયરિંગ કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે.
ઝડપાયેલા આરોપીઓમાં જસદણના બંસી કરસનગડિયા અને મેરુ કરસનગડિયાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રીક્ષા જપ્ત કરી છે.
ગત રાત્રિના સમયે અજાણ્યા શખ્સો કારખાનામાં ઘૂસ્યા હતા. તેઓએ આરતી મશીનમાં લાગતા પિત્તળના સાધનો અને આશરે 200 કિલો કોપરની વસ્તુઓની ચોરી કરી હતી.આ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
આ બનાવ અંગે કારખાનાના માલિકે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ હાથ ધરી હતી. ગણતરીના સમયમાં જ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.