ઉપલેટામાં બસ સ્ટેશન ચોક તથા વડલી ચોકમાં આખલા યુદ્ધે ચડતા નાસભાગ, વૃદ્ધને ઈજા

ઉપલેટા શહેરમાં રખડતા ઢોર અને આખલાઓનો ત્રાસ હવે મર્યાદા વટાવી ચૂક્યો છે, રસ્તા પર અડિંગો જમાવીને બેસતા પશુઓને કારણે રાહદારીઓ, સ્થાનિક દુકાનદારો અને વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ઉપલેટા શહેરના સૌથી વ્યસ્ત ગણાતા બસ સ્ટેશન ચોક તથા વડલી ચોક વિસ્તારમાં અચાનક બે આખલાઓ વચ્ચે હિંસક લડાઈ ફાટી નીકળી હતી, આખલાઓ એકબીજા સાથે એ હદે આક્રમક રીતે બાખડયા હતા કે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

આ બંને આંખલાઓ લડતા-લડતા નજીકમાં આવેલા ટેલિફોન એક્સચેન્જના પોલ સાથે જોરદાર ભટકાયા હતા. અને ત્યારબાદ રામભાઈ ધુલ નામના વૃદ્ધ જે માર્કેટમાં શાક લેવા જઈ રહ્યા હતા તેમને આખલાએ અડફેટે લેતા ઈજાઓ થઈ હતી.બીજી બાજુ વડલી ચોકે ફેશન અડા શોરૂમ પાસે આખલા લડતા લડતા દુકાન ઉપર પહોંચી ગયા હતા સદનસીબે આ સમયે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ માર્કેટમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ અંગે સ્થાનિક આગેવાન લખમણભાઇએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, શહેરમાં આખલાઓનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. ખાસ કરીને શાકમાર્કેટ વિસ્તારમાં આખલાઓ કાયમી અડિંગો જમાવીને બેસી રહે છે, જેથી મહિલાઓ અને ગ્રાહકોને અવરજવર કરવામાં ડર લાગે છે. તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ પણ આ જ શાકમાર્કેટ પાસે આખલાઓ યુદ્ધે ચડયા હતા, જેમાં એક નિર્દોષ વૃદ્ધા લપેટામાં આવી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *